ઇરાકમાં અમેરિકન બેઝ પર ઇરાનના હુમલા પછી ક્રુડ ઓઇલના ભાવમાં ઉછાળો

ઇરાકમાં આવેલા અમેરિકાના બેઝ પર ઇરાન દ્વારા કરાયેલા મિસાઇલ હુમલા પછી ક્રુડ ઓઇલના ભાવમાં ઉછાળો આવ્યો છે. ઇરાને કરેલા આ હુમલા પછી ઓઇલાના ભાવમા લગભગ 4.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ડબલ્યુટીઆઇ ઇન્ડેક્સ પર ઓઇલના ભાવ 4.53 ટકા ઉછળીને પ્રતિ બેરલ 65.54 ડોલર પર પહોંચી ગયા છે. તો એમસીએક્સ પર ક્રુ઼ડ ઓઇલના કામકાજની શરૂઆત પ્રતિ બેરલ 25 રૂપિયાની તેજી સાથે થઇ હતી અને નવા ભાવ પ્રતિ બેરલ 4,519 રૂપિયા પર પહોંચી ગયા છે. 11 વાગ્યા સુધી એ ભાવમાં વઘારો થયો હતો અને તે પ્રતિ બેરલ 84 રૂપિયાની તેજી સાથે હવે પ્રતિ બેરલ રૂ. 4578ના ભાવે પહોંચી ગયું છે.

સવારે 12.35 વાગ્યે જાન્યુઆરી કોન્ટ્રાકટ હેઠળનું ઓઇલ એમસીએક્સ પર પ્રતિ બેરલ રૂ. 70ની તેજી સાથે 4564 પ્રતિ બેરલના ભાવે ટ્રેડ કરતું હતું. કામકાજ દરમિયાન તે હવે 4590 રૂ. પ્રતિ બેરલના ભાવે પહોંચી ગયું છે. 12.40 વાગેયે બ્રેન્ટ ઓઇલ 0.73 ડોલરની તેજી સાથે 69.01 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરતું હતું અને હવે તે 68.32 ડોલર પ્રતિ બેરલના ભાવે ખુલ્યા પછી એક સમયે તે પ્રતિ બેરલ 71.28 ડોલરના ભાવે પહોંચી ગયું હતું.

ક્રુડ ઓઇલના ભાવમાં ઉછાળો પણ બુધવારે પેટ્રોલ-ડિઝલના ભાવ સ્થિર

ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલતી તંગદીલીને કારણે ક્રુડ ઓઇલના ભાવમાં ભલે મોટો ઉછાળો જોવા મળ્યો હોય પણ બુધવારે દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ શાંત રહ્યા હતા અને તેમાં કોઇ જાતનો વધારો થયો નહોતો. છ દિવસ સતત થોડો થોડો ભાવ વધારો થતા રહ્યા પછી બુધવારે પેટ્રોલ અને ડિઝલના ભાવ સ્થિર રહ્યા હતા. ઓઆ છ દિવસમાં પેટ્રોલ 60 પૈસા તો ડિઝલ 80 પૈસા પ્રતિ લિટર મોંઘા થયા છે. જો કે બુધવારે જે ક્રુડ ઓઇલના ભાવમાં ઉછાળો થયો છે તેની અસર એકાદ બે દિવસમાં ચોક્કસ જ દેખાશે એવું લાગી રહ્યું છે.

દેશના સુરત સહિતના કેટલાક શહેરોમાં પેટ્રોલ-ડિઝલના લિટરના ભાવ

શહેર                      પેટ્રોલ                ડિઝલ
સુરત                     73.00               71.95
દિલ્હી                   75.74               68.79
મુંબઇ                   81.33                 72.14
કોલકાતા              78.33                71.15
ચેન્નાઇ                  78.69                72.69