ગંગાસાગર પહોંચેલા મમતા બેનર્જીએ ધારણ કર્યો ભગવો : ભાજપ રોષથી લાલ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા સત્તારૂઢ તૃણમુલ કોંગ્રેસ અને વિપક્ષ ભાજપમાં જોરદાર આરોપ પ્રત્યારોપ ચાલી રહ્યા છે. બંને પક્ષ એકબીજા પર શાબ્દિક હુમલો કરવાની એકપણ તક જતી કરતા નથી. ગંગાસાગરના પ્રવાસે ગયેલા મમતા બેનર્જીએ પૂજારીઓ દ્વારા આપવામાં આવેલા ભગવા ખેસને ગળામાં ધારણ કર્યો હતો અને મમતા બેનર્જીના આ ભગવા અવતારથી ભાજપ રોષથી લાલધૂમ થઇને તેમની ટીકા કરવા માંડ્યું છે.

ભાજપના નેતા અને પશ્ચિમ બંગાળના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયે એક ટિ્વટ કરીને મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું. તેમણે લખ્યું હતું કે એક સમયે જય શ્રી રામનો સૂત્રોચ્ચાર સાંભળીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો પારો ચઢી જતો હતો અને આજે ગંગાસાગર પર કપિલ મુનીના આશ્રમમાં તેઓ ભગવો ખેસ પહેરીને પૂજા કરતાં જોવા મળ્યા હતા. તેમનામાં ફેરફાર આવ્યો છે કે પાખંડ?

એ ઉલ્લેખનીય છે કે સીટીઝન્સ એમેડમેન્ટસ એક્ટ તેમજ એનઆરસી મામલે મમતા બેનર્જી અને ભાજપ વચ્ચે તલવારો તાણી દેવામાં આવી હતી. મમતા બેનર્જીએ મંગળવારે ફરી એકવાર એનઆરસી, એનપીઆર અને સીએેએ સામે કેન્દ્ર પર પ્રહારો કર્યા હતા. તેઓ હંમેશા એવું બોલતા રહે છે કે કોઇ પણ તમારો અધિકાર છીનવવા આવે તો તેમણે મારી લાશ પરથી પસાર થવું પડશે, ત્યારે અચાનક તેમણે ભગવો ખેસ ધારણ કરીને બધાને આશ્ચર્ય તો આપ્યું જ છે.