બેન સ્ટોક્સે રોમાંચક બનેલી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે ઇંગ્લેન્ડને જીતાડ્યું

દક્ષિણ આફ્રિકા-ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ અંતિમ દિવસે રોમાંચ લઇને આવી હતી અને શરૂઆતમાં ક્વિન્ટોન ડિ કોક અને રસી વાન ડેર ડુસાન મળીને 66 રનની ભાગીદારી કરીને અને તે પછી અંત સમયે ડ્વેન પ્રિટોરિયસ તેમજ વર્નોન ફિલેન્ડરે મળીને ઇંગ્લેન્ડના બોલરોની પરીક્ષા લીધી હતી, જો કે અંતે બેન સ્ટોક્સે અંતિમ ઓવરોમાં બાકી રહેલી 3 વિકેટ ઉપાડીને ઇંગ્લેન્ડને આ મેચ 189 રને જીતાડી હતી અને તેના કારણે હાલ સીરિઝ 1-1ની બરોબરી પર મુકાઇ છે.

ઇંગ્લેન્ડે મુકેલા 438 રનના લક્ષ્યાંક સામે એક મલાને થોડો પ્રયાસ કર્યો હતો. જો કે મલાન આઉટ થયો અને તે પછી ડુ પ્લેસિસ પણ આઉટ થયાં પછી ડિ કોક અને વાન ડેર ડૂસાન થોડું સંભાળીને રમ્યા હતા અને તેમણે 66 રનની ભાગીદારી તો કરી પણ તેઓ મેચ જીતાડી શકે તેવી સ્થિતિમાં નહોતા. આ બંને ખોટા ફટકા મારીને આઉટ થતાં દક્ષિણ આફ્રિકા મેચ ડ્રોમાં ફેરવતા રહી ગયું હતું.
13 ઓવર બાકી હતી અને દક્ષિણ આફ્રિકાનો સ્કોર 7 વિકેટે 241 રન હતો ત્યારે સ્ટોક્સે બે બોલમાં પ્રિટોરિયસ અને નોર્કિયાની વિકેટ ખેરવીને બાજી પલટી નાંખી હતી, જો કે તે પછી પણ ફિલેન્ડર અને રબાડા 3 ઓવર રમી ગયા હતા અને તે પછી જ્યારે 9 ઓવર બાકી હતી ત્યારે સ્ટોક્સે ફિલેન્ડરને ઓલી પોપના હાથમાં ઝડપાવીને તેમની ઇનિંગનું પતન આણ્યું હતું.