વોશિંગ પાવડરની એડ કરીને ફસાયો અક્ષય કુમાર

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર પ્રખ્યાત વોશિંગ બ્રાન્ડની જાહેરાત કરીને કાનૂની વિવાદમાં ફસાયો છે. અક્ષયને ટીવી એડમાં મરાઠા યોદ્ધા તરીકે બતાવવામાં આવ્યો છે. અભિનેતાને મરાઠા વોરિયર્સની મજાક ઉડાવવાના આક્ષેપોનો સામનો કરવો પડી રહ્યો છે. ગુસ્સે ભરાયેલા લોકોએ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

રિપોર્ટસ અનુસાર અક્ષય કુમાર વિરુદ્ધ મુંબઈના વરલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં અક્ષયે મરાઠા સંસ્કૃતિની મજાક ઉડાવી છે અને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. સોશિયલ મીડિયા પર અક્ષયને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. લોકોએ આ જાહેરાતને વાહિયાત ગણાવી છે. એડ બનાવતી કંપનીની પણ ટીકા થઈ રહી છે. ટવિટર પર #BoycottNirma ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકોએ અક્ષય કુમારને આમ કરવા બદલ માફી માંગવાનું કહ્યું છે.

એક યુઝરે લખ્યું – આ સસ્તી જાહેરાત જોયા પછી હું નિરમાની પ્રોડક્ટસનો બોયકોટ કરીશ અક્ષયે મરાઠા વોરિયર્સની મજાક ઉડાવવા બદલ માફી માંગવી જોઈએ. બીજા એક યુઝરે અક્ષયને પૂછ્યું કે- #BoycottNirma, આ રીતે હિન્દુ તરફી મરાઠા વોરિયર્સની મજાક ઉડાવવાનું પસંદ નહીં કરે. શું બ્રિટિશ અને મોગલ આક્રમણકારો પર આવી મજાક કરવાની હિંમત અક્ષયમાં છે?