ઇન્દોર ટી-20માં ભારતીય ટીમે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી ટી-20 મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકન ટીમે 9 વિકેટે 142 રન બનાવીને મુકેલા 143 રનના લક્ષ્યાંકને ભારતીય ટીમે 17.3 ઓવરમાં 3 વિકેટના ભોગે કબજે કરી લઇને 7 વિકેટે વિજય મેળવ્યો હતો. યુવા બોલર નવદીપ સૈનીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

શ્રીલંકાએ મુકેલા 143 રનના લક્ષ્યાંકની સામે ભારતીય ટીમને ઓપનર કેએલ રાહુલ અને શિખર ધવને જોરદાર શરૂઆત અપાવીને 9 ઓવરમાં 71 રનની ભાગીદારી કરી હતી. આ સ્કોર પર રાહુલ 45 રન કરીને આઉટ થયો હતો. તે પછી વન ડાઉન બેટ્સમેન તરીકે શ્રેયસ ઐય્યરને મોકલવામાં આવ્યો હતો. તેણે પણ કેપ્ટનના વિશ્વાસને સાર્થક કરીને 26 બોલમાં 34 રનની ઝડપી ઇનિંગ રમી હતી. ધવન અને રાહુલની સારી શરૂઆત પછી બાકીનું કામ ઐય્યર અને કોહલીએ પૂરૂ કર્યું હતુ. કોહલી 17 બોલમાં 30 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો.

શ્રીલંકાના દાવની શરૂઆત સારી રહી હતી અને તેમણે 4.4 ઓવરમાં 38 રન બનાવી લીધા હતા, જો કે આ સ્કોર પર જ અવિષ્ક ફર્નાન્ડો આઉટ થયો હતો. તે પછી થોડી વારમાં ધનુષ્કા ગુણાતિલકા પણ આઉટ થયો હતો. શ્રીલંકાની ટીમ મોટો સ્કોર ન બનાવી શકી તેનું એક કારણ એ રહ્યું હતું કે તેઓ વચ્ચે કોઇ મોટી ભાગીદારી થઇ નહોતી અને તેઓ નિયમિત સમયાંતરે વિકેટ ગુમાવતા રહ્યા હતા. તેમાં પણ 19મી ઓવરમાં શાર્દુલ ઠાકુરે માત્ર 3 રન આપીને કુલ 3 વિકેટ ઉપાડી હતી અને તેના કારણે તેમનો સ્કોર 7 વિકેટે 127 પરથી 9 વિકેટે 130 રન થયો હતો.

બુમરાહની અંતિમ ઓવરમાં હસરંગાએ અંતિમ 3 બોલમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા અને તેના કારણે તેમનો સ્કોર 142 રન સુધી પહોંચ્યો હતો. શ્રીલંકા વતી કુશલ પરેરાએ સર્વાધિક 34 જ્યારે અવિષ્કા ફર્નાન્ડોએ 22 અને ધનુષ્કા ગણાતિલકાએ 20 રન બનાવ્યા હતા. બેટ્સમેનોની વિકેટ ગણાતી ઇન્દોરની પીચ પર ભારતીય બોલરોએ પોતાનો પ્રભાવ પાથર્યો હતો અને શાર્દુલ ઠાકુરે 3, કુલદીપ, સૈનીની 2-2 અને બુમરાહ, સુંદરે 1-1 વિકેટ ઉપાડી હતી.