નિર્ભયા કેસમાં કોર્ટનો ઐતિહાસિક ફેંસલો: તમામ ચારેય આરોપીઓનું ડેથ વોરંટ ઈશ્યુ, 22મીએ અપાશે ફાંસી

દેશના પાટનગર દિલ્હીમાં 2012માં થયેલા નિર્ભયા બળાત્કાર અને હત્યા કેસમાં પટીયાલા હાઉસ કોર્ટમાં આજે દોષીઓ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ડેથ વોરંટને લઈ કોર્ટે ફેંસલો સંભળાવ્યો હતો.પટીયાલા હાઉસ કોર્ટે ચારેય આરોપીઓનું ડેથ વોરંટ ઈશ્યુ કરી દીધો છે. ડેથ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યા બાદ ફાંસી માટે 14 દિવસનો સમય આપવામાં આવે છે. ચારેયને વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. 22મી જાન્યુઆરીએ ચારેયને સવારે સાત વાગ્યે ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવશે.

આરોપી અક્ષય ઠાકુરે જજ સમક્ષ બોલવાની પરમીશન માંગી હતી અને જજે પરમીશન આપી હતી. ત્યાર બાદ અક્ષય ઠાકુરે કહ્યું કે સજામાં મોડું થયું એવા મીડિયાના રિપોર્ટ ખોટા છે.

સુનાવણી દરમિયાન નિર્ભયાના માતા અને દોષી મુકેશની માતા રડી પડ્યા હતા. મુકેશની માતાએ રડતા રડતા કહ્યું હતું કે મારા દિકરાને માફ કરી દો. નિર્ભયા મામલે ચારેય દોષીઓ અક્ષય, મુકેશ, વિનય અને પવનને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે અને હવે માત્ર ડેથ વોરંટ પર જ સુનાવણી કરવામાં આવી હતી.

સુનાવણી દરમિયાન કોર્ટે 3.30 વાગ્યા સુધી આદેશ સ્થગિત રાખ્યો હતો. દોષીઓ દ્વારા ક્યુરેટીવ પીટીશન દાખલ કરવામાં આવી હતી પરંતુ તેને ધ્યાને લીધા બાદ કોર્ટ દ્વારા ડેથ વોરંટ પર સુનાવણી કરવામાં આવી હતી.

તમામ દોષીઓ સાથે જજ દ્વારા વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરવામાં આવી હતી. એમએલ શર્માએ કહ્યું કે આરોપીઓ પાસે માત્ર પીટીશન દાખલ કરવાનો જ ઓપ્શન છે. કોન્ફરન્સ રૂમમાં મીડિયાને પણ પ્રવેશ કરવાની પરમીશન આપવામાં આવી હતી. પણ પાછળથી મીડિયાને બહાર જવાનું જણાવવામાં આવ્યું હતું. કોર્ટે તમામ આરોપીઓને પોતાના નામ બોલવા માટે કહ્યું હતું ત્યાર બાદ તમામ આરોપીઓ પોતાના નામ જણાવ્યા હતા.