સોમવારના કડાકા પછી શેરબજારમાં તેજી : સેન્સેક્સ 500 પોઇન્ટ અપ

અમેરિકા અને ઇરાન વચ્ચે વધતી તંગદીલીમાંથી બહાર આવીને શેરબજારમાં આજે જોરદાર રિકવરી જોવા મળી હતી. રોકાણકારોએ નીચલા સ્તરે જોરદાર લેવાલી કરી હતી અને બજાર સોમવારના કડાકામાંથી બહાર આવીને 500 પોઇન્ટ અપ પર ટ્રેડ કરી રહ્યું હતું. અખાતના દેશોમાં તંગદીલીને કારણે સોમવારે શેરબજારમાં રોકાણકારોના અંદાજે 3 લાખ કરોડ ડુબી ગયા હતા. જો કે આજે જોરદાર લેવાલી નીકળી હતી અને તેના કારણે બજાર રેડ ઝોનમાંથી બહાર આવી ગયું હતું. શરૂઆતના કામકાજમાં શેરબજારે 41,230.14ની ઉચ્ચ સપાટીને સ્પર્શી હતી.

બજારમાં નીચલા લેવલે ખરીદી જોવા મળી હતી અને ઓઇલ કંપનીઓના શેરમાં મોટો ઉછાળો જોવા મળતા તેજી આવી હતી. સવારે 9.50 વાગ્યે સેન્સેક્સ 496 પોઇન્ટના ઉછાળા સાથે 41,172 પર ટ્રેડ કરતો હતો. 30 સ્ક્રિપ્ટના શેરમાંથી 27 ગ્રીન ઝોનમાં ટ્રેડ કરતાં હતા. કામકાજ દરમિયાન સેન્સેક્સ 41230ના લેવલ સુધી પહોંચી ગયો હતો. ટોપ ગેનર્સમાં ઇન્ડસઇન્ડ બેન્ક, એસબીઆઇ, ટાટા સ્ટીલનો સમાવેશ થાય છે જ્યારે ટેક મહિન્દ્રા, ટીસીએસ અને એચસીએલ ટોપ લુઝર્સ છે.