કાશ્મીર- ઉત્તરાખંડમાં નવેસરની બરફ વર્ષા: જમ્મુ-શ્રીનગર હાઇવે બંધ, 600 વાહનો અટવાયા

કાશ્મીર ખીણ અને ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારોમાં તાજી હિમવર્ષાને પગલે દેશના ઉત્તરીય ભાગમાં ઠંડીનું મોજું યથાવત રહ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં જો કે વાદળછાયા વાતાવરણને લીધે પારો થોડો ઉપર ચઢ્યો હતો. જો કે, પશ્ચિમી ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ વરસાદને કારણે આગામી ત્રણ-ચાર દિવસમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. ભારતના હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દિલ્હીમાં મહત્તમ 19.1 ડિગ્રી સેલ્સિયસ અને લધુત્તમ 9.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે જે વર્ષના આ સમયે સામાન્ય છે.

હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, વહેલી સવારથી શ્રીનગર શહેર સહિત સમગ્ર કાશ્મીરમાં હળવાથી મધ્યમ હિમવર્ષા થઈ હતી.જોકે, શ્રીનગર વિમાનમથકની ફ્લાઇટ ઓપરેશન સમયપત્રક મુજબ ચાલુ હતું, એમ એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (એએઆઈ) ના એક અધિકારીએ જણાવ્યું હતું. શ્રીનગરમાં ગઈકાલે રાત્રે લઘુત્તમ તાપમાન 0.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.સોમવારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે 600 જેટલા વાહનો જમ્મુ-શ્રીનગર હાઇવે પર અટવાયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

જવાહર ટનલ પાસે બરફવર્ષા અને ડિજડુલ ખાતે ભૂપ્રપાત બાદ હાઇવે ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો છે, એમ તેઓએ જણાવ્યું હતું. ઉત્તર ભારતમાં 7 થી 10 જાન્યુઆરી દરમિયાન વરસાદ થવાની સંભાવના છે, જેનાથી દિલ્હીમાં તાપમાનનો પારો વધુ ગબડશે. કાશ્મીરમાં, શ્રીનગર અને અન્ય સ્થળોએ સોમવારે 2020ની પ્રથમ હિમવર્ષા થઈ હતી જેને લીધે તાપમાનનો પારો વધુ ગગડ્યો હતો.