ઈરાન: કાસીમ સુલેમાનીનાં જનાઝામાં નાસભાગ, 35 ચગદાયા, 48ને ઈજા

અમેરિકાના ડ્રોનના હુમલામાં ઈરાનના ટોચના કમાન્ડર મેજર જનરલ કાસીમ સુલેમાનીના જનાઝા (અંતિમ સંસ્કાર)માં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 લોકો માર્યા ગયા હતા અને 48 લોકો ઘાયલ થયા હતા. ઈરાનના સરકારી ટેલિવિઝન અનુસાર સુલેમાનીની અંતિમ વિધિમાં ભાગ લેવા મંગળવારે મોટી સંખ્યામાં લોકો સુલેમાનીના વતન કરમણ પહોંચ્યા હતા, ત્યારે મંગળવારે નાસભાગ મચી ગઈ હતી.

ઈરાનના સ્થાનિક મીડિયા ઇમરજન્સી મેડિકલ સર્વિસીસના વડા પીરહુસૈન કુલીવંદને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે જનાઝા દરમિયાન થયેલી નાસભાગમાં ઘણા લોકોના મોત નીપજ્યાં છે. જોકે, તેમને મૃતકોના આંકડા જણાવ્યા નથી. તમને જણાવી દઈએ કે સોમવારે તેહરાનમાં આયોજીત અંતિમયાત્રામાં 10 લાખથી વધુ લોકો એકઠા થયા હતા.

જનરલ કાસીમ સુલેમાની ઈરાનમાં ખૂબ જ લોકપ્રિય હતા. તેમની લોકપ્રિયતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે અંતિમ સંસ્કારમાં યુવાનોની સંખ્યા સૌથી વધુ હતી. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ પણ તેમના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા હતા. અંતિમ સંસ્કારમાં સામેલ મોટાભાગના લોકો ‘ડેથ ટૂ ટ્રમ્પ’ ના નારા લગાવતા હતા.

ઈરાનમાં સુલેમાનીના અંતિમ સંસ્કારમાં સામેલ થયેલા લોકોનો ફોટો શેર કરીને વિદેશ પ્રધાન જાવેદ ઝરીફે કહ્યું, “શું ડોનાલ્ડ ટ્રમ્પ આખી જિંદગીમાં આવી ભીડ જોઈ છે? શું તમે હજી પણ ઈરાનની જાણકારી માટે તમરા જોકરો પર આધારિત છો? શું તમે હજી પણ વિચારો છો કે તમે આ મહાન દેશ અને તેના લોકોને તોડી શકો છો? તેમણે એમ પણ કહ્યું કે, પશ્ચિમ એશિયાથી અમેરિકાની શૈતાની હાજરી સમાપ્ત કરવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે.