અંબાણી-અદાણી સહિતના ટોચના ઉદ્યોગપતિઓ સાથે પીએમ મોદીની મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અર્થવ્યવસ્થાને લગતા મુદ્દાઓ અને વિકાસને વેગ આપવા અને રોજગાર પેદા કરવા માટે જરૂરી પગલાઓની ચર્ચા કરવા બજેટ રજૂ કરવામાં આવે તે પહેલા ટોચના ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદી સાથેની  ચર્ચામાં ઉપસ્થિત લોકોમાં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી, ટાટા જૂથના આગેવાન રતન ટાટા, એરટેલના સુનિલ ભારતી મિત્તલ, અદાણી જૂથના ગૌતમ અદાણી, મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રા અને માઇનિંગ બેરોન અનિલ અગ્રવાલ હાજર રહ્યા હતા.

ટાટા સન્સના અધ્યક્ષ એન ચંદ્રશેકરણ, ટીવીએસના અધ્યક્ષ વેણુ શ્રીનિવાસન, એલએન્ડટીના વડા એ.એમ. નાયક પણ હાજર હતા. આ બેઠકમાં થયેલી ચર્ચા બાબતે જો કે કોઇ માહિતી સામે આવી નથી. એમ મનાય છે કે રોજગાર મામલે ચર્ચા થઇ હતી. ઉલ્લેખનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરીના રોજ પોતાનું બીજું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળાના જીડીપીના છેલ્લા આંકડામાં આર્થિક વૃદ્ધિ જે છ વર્ષમાં સૌથી નબળા રહ્યા છે, જેમાં ઉત્પાદનમાં ઘટાડો થવાનો મહત્ત્વપૂર્ણ ફાળો છે.

મોદી સરકારે જીડીપી દરને ટ્રેક પર લાવવા માટે અનેક પગલાં લીધા છે. સપ્ટેમ્બર 2019માં સરકારે કોર્પોરેટ ટેક્સ રેટ 30 ટકાથી ઘટાડીને 22 ટકા કરવાની જાહેરાત કરી. સરકારે સીધા નવા વિદેશી રોકાણો આકર્ષવા માટે નવી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટેનો ટેક્સ રેટ પણ ઘટાડીને 15 ટકા કર્યો છે.
સરકારની અન્ય પહેલઓમાં બેંકોનું રિકેપેટાલાઇઝેશન, 10 જાહેર ક્ષેત્રની બેંકોને ચારમાં મર્જ કરવા, ઓટો સેક્ટરને ટેકો આપવો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ માટેની યોજનાઓ, તેમજ સ્ટાર્ટઅપ્સ માટે કરવેરા લાભો સામેલ છે. અગાઉ મોદી ઉદય કોટક, આદિત્ય પુરી વગેરેને મળ્યા હતા. તેઓ અત્યાર સુધીમાં એફએમસી, ફાયનાન્સ, ડાયમંડ, ટેક્સટાઇલ્સ વગેરે ક્ષેત્રના 60થી વધુ ઉદ્યોગ સાહસિકોને મળી ચૂક્યા છે.