જેએનયુમાં હિંસા : મોદી સરકાર પર ચોમેરથી ટીકાનો મારો

જેએનયુમાં રવિવારે થયેલી હિંસાની ઘટના અંગે વિપક્ષ, યુવાઓ, અભિનેતાઓ, કાર્યકરો અને બિઝનેસ ટાયફૂનોએ મોદી સરકારની આકરી ટીકા કરી હતી. કોંગ્રેસે ઘટનાને નાઝી શાસનની યાદ અપાવતા ‘ રાજ્ય પ્રેરિત ત્રાસવાદ ’ સાથે સરખાવી હતી. રવિવારે સાંજે જેએનયુમાં બનેલી હિંસક ઘટનાને તમામ રાજકીય પક્ષોએ એક સાથે વખોડી કાઢીને કુલપતિ એમ. જગદીશકુમાર અને દિલ્હીના કમિશનર અમુલ્ય પટનાયકને હટાવવાની માગ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ગઇકાલે દિલ્હી સ્થિત જેએનયુમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર જે હુમલો કરવામાં આવ્યો છે તે અભૂતપૂર્વ છે અને સરકાર સાથે મતભેદના વિરોધમાં ઉઠતા અવાજને દબાવવાની કોશીશ છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, જેએનયુની હિંસા મુંબઇ પર થયેલા 26-11ના હુમલા જેવી જ છે અને કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ આ દેશમાં અસુરક્ષિત છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, યુવાનો પર જે રીતે હુમલાઓ થઇ રહ્યા છે તે તે 1933ના નાઝી જર્મનીની યાદ અપાવે છે જે 90 વર્ષ પછી મોદી અને શાહના શાસનમાં પાછો ફર્યો હોય તેવું લાગે છે. જેએનયુ ટીચર્સ એસોસિએશને વાઇસ ચાન્સેલર એમ. જગદીશકુમારને હટાવવાની માગ કરી આક્ષેપ કર્યો હતો કે, તેઓ વિદ્યાર્થીઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ ગયા છે અને તેમના કારણે પ્રતિષ્ઠીત સંસ્થાની છબી ખરડાઇ છે.

જેએનયુના પૂર્વ અધ્યક્ષ અને સીપીઆઇ (એમ)ના જનરલ સેક્રેટરી યેચુરીએ કહ્યું હતું કે, આ હુમલામાં ઉપરાષ્ટ્રપતિ પણ સામે છે અને તેમને તાત્કાલિક હટાવવા જોઇએ. વકીલ અને સામાજિક કાર્યકર પ્રશાંત ભૂષણે ટ્વિટ કર્યું હતું કે, આ ભાજપ અને એબીવીપીનું ગુંડારાજ છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ કહ્યું હતું કે, તમારી રાજનીતિ શું છે? તમારી વિચારધારા શું છે? તમારી શ્રદ્ધા શું છે તેનાથી કોઇ ફેર પડતો નથી પરંતુ આવા સશસ્ત્ર ગુંડાઓને સાંખી લેવા નહીં જોઇએ.