આજે બીજી ટી-20 : હોલ્કર સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા એક પણ મેચ હારી નથી

ગુવાહાટીમાં પહેલી મેચ વરસાદે ધોઇ નાંખ્યા પછી ભારતીય ટીમ મંગળવારે અહીંના હોલ્કર સ્ટેડિયમમાં શ્રીલંકા સામે બીજી ટી-20 રમવા મેદાને ઉતરશે. અહીં એક વાત ખાસ નોંધવાની કે આ સ્ટેડિયમ પર ક્રિકેટના દરેક ફોર્મેટમાં ભારતીય ટીમ અજેય રહી છે અને તેમણે આ સ્ટેડિયમ પર રમાયેલી ક્રિકેટના ત્રણેય ફોર્મેટ મળીને કુલ 8 મેચમાં વિજય પતાકા લહેરાવી છે.

મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશન (એમપીસીએ)ના અંદાજે 27,000 દર્શકોની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમમાં 2006થી લઇને અત્યાર સુધીમાં 2 ટેસ્ટ, 5 વન ડે અને 1 ટી-20 મળીને કુલ 8 ઇન્ટરનેશનલ મેચ રમાઇ છે અને આ તમામ મેચ ભારતીય ટીમે જીતી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે મંગળવારે રમાનારી ટી-20 આ મેદાનના ઇતિહાસની બીજી ટી-20 હશે. બંને ટીમ સોમવારે સાંજે ઇન્દોર પહોંચી ગઇ હતી. જોગાનુજોગ એક વાત એ છે કે આ મેદાન પર રમાયેલી એકમાત્ર અને પહેલી ટી-20 મેચ પણ ભારત અને શ્રીલંકા વચ્ચે જ 22 ડિસેમ્બર 2017માં રમાઇ હતી. જેમાં ટીમ ઇન્ડિયાનો 88 રને વિજય થયો હતો અને તે સમગ્ર મધ્યપ્રદેશની પહેલી ટી-20 મેચ રહી હતી.

ટીમ ઇન્ડિયા રદ થયેલી પહેલી ટી-20ની જ ઇલેવન ઇન્દોરમાં ઉતારશે

મંગળવારે રમાનારી મેચ માટે પહેલી ટી-20 માટે પસંદ કરાયેલી 3 નિષ્ણાત ઝડપી બોલર અને 2 સ્પિનર સાથેની ટીમ જ યથાવત રાખવામાં આવે તેવી સંભાવના છે. વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવને આ ટીમમાં સમાવાયા હતા, જ્યારે યજુવેન્દ્ર ચહલ અને રવિન્દ્ર જાડેજા અંતિમ ઇલેવનમાં સ્થાન મેળવી શક્યા નહોતા. શ્રીલંકાની ટીમમાં ડાબોડી બેટ્સમેનોની સંખ્યા વધુ હોવાથી આ નિર્ણય લેવાયો હતો. મનીષ પાંડે અને સંજૂ સેમસનને પણ પહેલી ટી-20 માટેની ટીમમાં સ્થાન મળ્યું નહોતુ અને તેઓ બહાર જ રહેશે એવી સંભાવના છે.