શતાબ્દી એક્સપ્રેસને સુરતના ભેસ્તાન પર ચેઈન પુલીંગ કરી અચાનક અટકાવી દેવાઈ, હતું આ ચોંકાવનારું કારણ

મુંબઈથી આવી રહેલી શતાબ્દી એક્સપ્રેસને સુરત પહોંચતા પહેલાં ભેસ્તાન સ્ટેશન પર ચેઈન પુલીંગ કરીને અટકાવી દેવામાં આવી હતી. રેલવેની ટીમ તાત્કાલિક ભેસ્તાન પહોંચી તો ચાર મહિલાઓની હાલત અત્યંત કફોડી બની ગઈ હતી. રેલવે તંત્ર દ્વારા આની તપાસ કરવામાં આવી તો ફૂડ પોઈઝનીંગનું કારણ બહાર આવ્યું હતું.

શતાબ્દી એક્સપ્રેસમાં શન સાઈન કેટરીંગ સર્વિસ દ્વારા ભોજન આપવામાં આવે છે. આ ભોજન એક્સપાયરી ડેટવાળું હતું અને મહિલાઓએ તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ચાર મહિલાઓને ચાર ક્લાક સુધી સતત વોમીટ થઈ પણ ટ્રેન અટકાવવામાં આવી ન હતી. છેવટે મહિલાઓની હાલત વધુ ખરાબ થતાં ભેસ્તાન પાસે ચેઈન પુલીંગ કરવામાં આવ્યું હતું. ટ્રેનના સી-7 નંબરના ડબ્બામાં ચાર મહિલાઓને ખાવાનું વાસી આપવામાં આવતા તેઓ સતત વોમીટ કરી રહ્યા હતા.

શતાબ્દી જેવી હાઈફાઈ ટ્રેનમાં એક્સપાયરી ડેટવાળું ખાવાનું પીરસવામાં આવતા સુરત ખાતેના ડીઆઈએમઓ તાત્કાલિક ભેસ્તાન પહોંચી ગયા હતા. રેલવે સ્ટેશન પર જ ચારેય મહિલાઓની મેડીકલ ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી હતી. બે મહિલાઓને ત્યાર બાદ અન્ય શિફ્ટ કરવામાં આવી હતી.

ડીઆરએમઓએ મીડિયાને જણાવ્યું કે શન સાઈન કેટરીંગ સર્વિસને વાસી ખાવાનું આપવા સબબે નોટીસ આપવામાં આવી છે અને મુંબઈ ખાતે રિપોર્ટ કરવામાં આવ્યો છે તથા આઈઆરસીટીને પણ ઘટના અંગે જાણ કરવામાં આવી છે. એક્સપાયરી ડેટવાળું ખાવાનું આપવામાં આવતા તેની તપાસ કરી કેટરીંગ સર્વિસવાળા સામે કાર્યવાહી કરવામાં આવશે.