જેએનયુ હિંસા : જીએસ આઇશી ઘોષ સહિત 19 સામે મારપીટ અને તોડફોડ માટે એફઆઇઆર દાખલ

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)માં થયેલા હિંસાચાર મામલે પોલીસ હવે સક્રિય બની છે અને એક તરફ વિદ્યાર્થીઓ પર થયેલા હુમલામાં બુકાનીધારીઓને શોધવાના પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે બીજી તરફ પોલીસે વિદ્યાર્થી સંગઠનની નેતા આઇશી ઘોષ સહિત 19 સામે એફઆઇઆર દાખલ કરી છે. 4થી જાન્યુઆરીએ જેએનયુના સર્વર રૂમમાં તોડફોડ અને સુરક્ષા ગાર્ડ પર હુમલો કરવાના આરોપમાં આઇશી ઘોષ સહિત 19 લોકો સામે આ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. એફઆઇઆરમાં આરોપીઓની કોલમમાં અન્ય વિદ્યાર્થીઓના નામ લખાયા નથી પણ વિસ્તૃત વિવરણમાં તેમનું નામ દાખલ કરાયું છે.

વિદ્યાર્થી નેતા આઇશી ઘોષ અને અન્ય વિદ્યાર્થીઓ સામે જેએનયૂ વહીવટીતંત્રની ફરિયાદ પછી દિલ્હી પોલીસે આ એફઆઇઆર દાખલ કરી છે. આ તમામ વિદ્યાર્થીઓ સામે 4 જાન્યુઆરીએ સર્વર રૂમમાં તોડફોડ કરવા અને ફરજ પર હાજર સુરક્ષા ગાર્ડ સાથે મારપીટ કરવાનો આરોપ મુકાયો છે. જેએનયૂ વહીવટીતંત્ર દ્વારા 5મી જાન્યુઆરીએ આ ફરિયાદ દાખલ કરી હતી, જેને પગલે આજે આ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.