રવિવારે મોડી સાંજે જેએનયુમાં બુકાનીધારી ટોળાનો હુમલો

જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી કેમ્પસમાં કેટલાક બુકાનીધારીઓ કેમ્પસમાં ઘૂસી ગયા હતા અને વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટી મેમ્બર્સ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સને ઇજા પહોંચી હતી. જેએનયુ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ આઇશી ઘોષ પણ આ હુમલામાં લોહીલુહાણ થઇ ગઇ હતી. તેના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. જેએનયુ વિદ્યાર્થી સંઘે આ હુમલાનો આરોપ અખિલ ભારતીય વિદ્યાર્થી સંઘ પર લગાડ્યો છે. કેટલાક અઘ્યાપકોનું કહેવું છે કે, વિદ્યાર્થી અને ફેકલ્ટી મેમ્બર્સ હુમલાખોરના નિશાન પર છે.

જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી છાત્રસંઘના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એબીવીપીના સમર્થકો પોલીસની હાજરીમાં લાઠી, દંડા અને લોખંડના સળિયા લઇને ફરી રહ્યા હતા અને તેમના ચહેરા પર નકાબ બાંધેલા હતા. તેઓ પથ્થરમારી રહ્યા હતા અને દિવાલો કૂદીને હોસ્ટેલમાં ઘૂસ્યા હતા અને ત્યાં વિદ્યાર્થીઓને માર માર્યો હતો. અનેક વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માર મારવામાં આવ્યો હતો. વિદ્યાર્થી સંઘે જણાવ્યું હતું કે, આ હુમલામાં વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઇશી ઘોષ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે તેમનાં માથાંમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. વિદ્યાર્થીઓએ ભાગીને પોતાની જાતને બચાવવાની કોશીશ કરી હતી પરંતુ, એબીવીપીના સભ્યો દ્વારા તેમનો પીછો કરવામાં આવ્યો હતો. પોલીસ પણ તેમની સાથે મળી ગઇ હતી. સંઘ તરફી પ્રોફેસરો દ્વારા તેમને આદેશ આપવામાં આવી રહ્યા છે અને તેમની પાસે બળજબરી ભારત માતાની જયના નારા લગાડવામાં આવી રહ્યા છે.

હુમલો એટલો ભયંકર હતો કે વિધાર્થીઓ ગભરાઇને ભાગવા માંડ્યા હતા. આ હુમલાખોરો કોણ હતા તે સ્પષ્ટ થઇ શક્યુ ન હતું પણ આ અંગે ભાજપ અને સંઘ તરફી તત્વો પર આક્ષેપ થઇ રહ્યા છે. યુનિવર્સિટી સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમણે જ પોલીસને બોલાવી હતી.