ઈરાન-અમેરિકા તંગદીલી: શેર બજારમાં 790 પોઈન્ટનું ગાબડું, ત્રણ ક્લાકમાં ત્રણ લાખ કરોડ સ્વાહા

આજનો દિવસ બજાર માટે ભારે ફટકાનો રહ્યો હતો. સોમવારે શેર બજાર ખૂલ્યું અને કડાકો બોલાયો હતો. અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તનાવને કારણે બજાર ચારેતરફથી વેચાવલીની પકડમાં આવી ગયું હતું. સેન્સેક્સમાં લગભગ 790 પોઇન્ટનું મોટું ગાબડું પડ્યું હતું. જ્યારે નિફ્ટીએ 12 હજારના નિર્ણાયક સ્તરને તોડી નાખ્યું છે. બેંકના શેરમાં પણ લાલ નિશાનો કારોબાર થયો હતો અને અહીં નિફ્ટીમાં પણ 900 પોઇન્ટનું ગાબડું પડ્યું હતું. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાથી બજારનો મૂડ બગડ્યો છે.

સોમવારે બીએસઈનો 30 શેરોવાળો પ્રમુખ ઈન્ડેક્સ (સેન્સેક્સ) 86.27 પોઈન્ટની નબળાઈ સાથે 41,378.34 પોઈન્ટ પર ખુલ્યો. ત્યાં જ એનએસઈનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 56.05 પોઈન્ટ ગગડી 12,170.60 પોઈન્ટ પર ખુલ્યો હતો, જ્યારે બપોરે 12.10 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 700 પોઈન્ટ ઘટીને 4 40,676.63 પર બંધ થયું હતું. જ્યારે નિફ્ટી 236 પોઈન્ટના કડાકા સાથે 11,993.05 બંધ થયું હતું.. નિફ્ટીના સ્મોલકેપ અને મિડકેપમાં એક ટકાથી વધારેના ઘટાડા સાથે કારોબાર થયું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને ચેતવણી આપવાના માત્ર ત્રણ ક્લાકમાં શેર બજાર ધડામ કરીને પડી ભાંગ્યું હતું. રોકાણકારોના ત્રણ લાખ કરોડ સ્વાહા થઈ ગયા હતા. શુક્રવારે જ્યારે શેર બજાર બંધ થયું ત્યારે 157 લાખ કરોડ રૂપિયાનું મૂડી રોકાણ હતું જે સોમવારે બજાર બંધ થતાં સુધીમાં 154 લાખ કરોડ સુધી ઘટ્યું હતું.

આજની શરૂઆતના કારોબારમાં હિંડાલ્કો, બીપીસીએલ, કોલ ઈન્ડિયા, રિલાયન્સ, ગેલ, આયશર મોટર્સ, એસબીઆઈ, એશિયન પોઈન્ટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચડીએફસી, ઈન્ડસઈન બેંક, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, એચડીએફસી બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, લાર્સન, સન ફાર્મા અને ગ્રાસિમમાં ઘટાડા સાથે કારોબાર નોંધાયો હતો. બીજી બાજુ કારોબારની શરૂઆતમાં ટાઈટન કંપની, ટીસીએસ, ઓએનજીસી, ઈફોસિસ, વિપ્રો, અદાણી પાર્ટસ અને એચસીએલમાં મજબૂતી સાથે કારોબાર કર્યો હતો.