ઠંડીમાં વધેલી પ્રદુષણની માત્રાથી તમારી આંખને થઈ રહ્યું છે મોટું નુકશાન, લાગુ થઈ શકે છે ગંભીર રોગ

હાલ ઠંડીની સિઝન ચાલી રહી છે. અનેક શહેરોના વાતાવરણમાં ભેજનું પ્રમાણ અતિશય વધ્યું છે અને પ્રદૂષણની માત્રામાં વધારો નોંધાઈ રહ્યો છે. તાજેતતરમાં થયેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે પ્રદૂષણના કારણે ગંભીર પ્રકારની બિમારી લાગુ થઈ શકે છે. આ બિમારી માટે તમારે જંગ કરવી પડે તેવી સ્થિતિ છે.

યુનિવર્સિટી ઓફ લંડનમાં કરાયેલા નવા રિસર્ચ મુજબ ભારે પ્રદૂષિત વિસ્તારોમાં રહેવાથી ગ્લુકોમા થવાનું જોખમ વધી શકે છે. રિસર્ચ મુજબ ઓછા પ્રદૂષિત વિસ્તારોમાં રહેતા લોકો કરતાં પ્રદૂષિત વિસ્તારોમાં રહેતા લોકોમાં ગ્લુકોમા હોવાની સંભાવના 6 ટકા વધુ છે. આ રિસર્ચ ઈન્વેસ્ટિગેટિવ ઓપ્થાલ્મોલોજી અને વિઝ્યુઅલ સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયો છે.

રિસર્ચનો ઉદ્દેશ હવાના પ્રદૂષણ અને ગ્લુકોમા વચ્ચેની કડી શોધવાનો હતો. તેમાં જાણવા મળ્યું છે કે પીએમ 2.5 ની સાંદ્રતાવાળા વિસ્તારોના રહેવાસીઓમાં ગ્લુકોમા થવાની સંભાવના વધુ છે.

શું છે ગ્લુકોમા?

ગ્લુકોમાને કાળું મોતિયું પણ કહેવામાં આવે છે. વૈશ્વિક રીતે આશરે 60 કરોડ લોકો આ રોગથી ગ્રસ્ત છે. બીજી તરફ જો આપણે ભારતની વાત કરીએ તો 1.2 કરોડ લોકો આ રોગથી પ્રભાવિત છે અને આને કારણે લગભગ 12 લાખ લોકો તેમની દૃષ્ટિ ગુમાવી ચૂક્યા છે. જો સમયસર ઉપચાર ન કરવામાં આવે તો આંખોનું તેજ પણ ગુમાવી શકવાનો વારો આવી શકે છે.

રિસર્ચના ચીફ પ્રોફેસર પોલ ફોસ્ટરે રિપોર્ટ રજૂ કર્યો છે કે વાયુ પ્રદૂષણથી આરોગ્ય માટેના અન્ય સંકટ વિશે જાણવા મળ્યું છે કે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. આંખો પર હવાના પ્રદૂષણની અસર તરફ ધ્યાન આપવું અનિવાર્ય બની ગયું છે. ગ્લુકોમા એ ન્યુરોડીજેનેરેટિવ રોગ છે. આ એક આંખનો રોગ છે જેના કારણે આંખ વધુને વધુ નબળી પડે છે. અને તેમણે અંધત્વનો શિકાર થઈ જવાય છે.

તેમણે કહ્યું કે આપણી આંખોમાં એક ઓપ્ટિક નર્વ હોય છે જે આંખોના ચિત્રને મગજ સુધી પહોંચાડે છે અને મગજ તેનું નિરીક્ષણ કરે છે, પરંતુ ગ્લુકોમાની સ્થિતિમાં ચેતના તંત્રમાં અતિશય દબાણ આવે છે અને આ ચિત્ર યોગ્ય રીતે રચના કરી શકતું નથી, જેનાથી દેખાતું ઓછું થવા માંડે છે.

આંખનું દબાણ હવાના પ્રદૂષણ સાથે સંકળાયેલું નથી. રિસર્ચ કરનારાઓનું માનવું છે કે હવાના પ્રદૂષણથી ગ્લુકોમાનું જોખમ અલગ રીતે વધી શકે છે. એવો અંદાજ છે કે હવાના પ્રદૂષણથી રક્ત વાહિનીઓ સંકુચિત થાય છે, જે ગ્લુકોમાનું કારણ હોઈ શકે છે. જે હ્રદયરોગનું પણ કારણ બની શકે છે.