2022માં રાષ્ટ્રપતિ પદ માટે શિવસેનાએ આગળ કર્યું આ નામ, જાણો કોણ છે એ નેતા?

2022માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. મહારાષ્ટ્રના રાજકારણમાં અનેકવિધ પલટો આવ્યા બાદ ઠાકરે સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવનારા સંજય રાઉતે રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ મોટું નિવેદન કર્યું છે.

શિવસેનાના નેતા સંજય રાઉતે સોમવારે કહ્યું કે, રાજકીય પક્ષોએ 2022ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે એનસીપીના પ્રમુખ શરદ પવારના નામ પર વિચાર કરવો જોઇએ. શિવસેનાના નેતાએ દાવો કર્યો કે 2022 સુધીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને નક્કી કરવા માટે વિપક્ષ પાસે પૂરતા સાંસદો હશે.

તાજેતરમાં, મહારાષ્ટ્રમાં એનસીપીના વડાએ સરકાર બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમના પ્રયત્નોથી કોંગ્રેસ અને શિવસેના ગઠબંધન સરકાર બનાવવા સંમત થયા. ઉદ્ધવ ઠાકરેની સરકારમાં એનસીપીને  મહત્વના મંત્રાલયોની જવાબદારી સોંપવામાં આવી છે.

રાઉતે કહ્યું, ‘શરદ પવાર દેશના વરિષ્ઠ નેતા છે. મને લાગે છે કે રાજકીય પક્ષોએ તેમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાનું વિચારવું જોઇએ.

રાઉતને ચાર વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહેલા પૂર્વ કેન્દ્રીય પ્રધાનના નામે અન્ય રાજકીય પક્ષોને એક કરવા કહ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ પણ પોતાનું નામ સૂચવી શકે છે.

રાજ્યસભાના સાંસદ રાઉતે કહ્યું, ‘હું સમજું છું કે રાજકીય પક્ષો અન્ય વરિષ્ઠ ઉમેદવારોની દરખાસ્ત પણ કરી શકે છે. 2022 સુધીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને નક્કી કરવા માટે અમારી બાજુમાં પૂરતી સંખ્યામાં સભ્યો હશે.