જખૌની સરહદ પરથી પાકિસ્તાની બોટ સહિત મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. આ શંકાસ્પદ પાકિસ્તાની બોટમાંથી 35 પેકેટ ડ્રગ્સ સાથે પાંચ પાકિસ્તાની માફિયાની ધરપકડ કરવામાં આવી છે. આ કામગીરી ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને એસઓજી દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી હતી. જેમાં આ કન્સાઇન્મેન્ટ મળ્યા બાદ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
એસપી સૌરભ તોલમ્બિયાના જણાવ્યા અનુસાર, કચ્છ એસઓજી, એટીએસના ત્રણ ડીવાયએસપી અને કોસ્ટગાર્ડ દ્વારા ગત રાતથી ઓપરેશન શરૂ કર્યું હતું અને સવાર સુધી ઓપરેશન કરવામાં આવ્યું હતું. બોટમાંથી ઝડપાયેલી ડ્રગ્સની તપાસ ચાલી રહી છે. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારોમાં તેની કિંમત કરોડો રૂપિયામાં રહેવાની ધારણા છે. આ વખતે પાકિસ્તાનીઓ દરિયામાં ન તો ડ્રગ્સ ફેંકી શક્યા અને ન તો દરિયામાં કૂદી શક્યા.
કેટલાક મહિના પહેલા કોસ્ટગાર્ડે અલ-મદીના નામની બોટમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું, પણ ડ્રગ્સ માફીયાઓએ ડ્રગ્સના કેટલાક પેકેટ દરિયામાં ફેંકી દેવામાં આવ્યા હતા. પણ બાદમાં દરિયામાં ફેંકેલા પેકેટ કોસ્ટગાર્ડને મળી આવ્યા હતા. જેને બાદમાં એક પછી એક કોસ્ટગાર્ડમાં મોકલવામાં આવ્યા હતા. સિક્યોરીટી ફોર્સને ઈનપૂટ મળ્યા હતા કે માફીયાઓ દ્વારા બોર્ડરનો ઉપયોગ કરવામાં આવનાર છે. આજે ડ્રગ્સ ઝડપાતા દરિયામાં પેટ્રોલીંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે.