ભારતીય ટીમના માજી ખેલાડી અને શનિવારે જણે ક્રિકેટ ક્ષેત્રને બાય બાય કરી દીધું તે ઇરફાન પઠાણે રવિવારે એવું કહ્યું હતું કે સ્વિંગ પર મારો કાબુ પહેલા જેવો જ જળવાઇ રહ્યો હતો અને મારા પ્રદર્શનમાં આવેલા ઘટાડા માટે તત્કાલિન કોચ ગ્રેગ ચેપલને દોષ આપવો એ મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા જેવી બાબત હતી. તેણે કહ્યું હતું કે મોટાભાગના ક્રિકેટર 27-28 વર્ષની વયે ભારતીય ટીમ સાથે પોતાની કેરિયર શરૂ કરતા હતા પણ તેણે એ વયે પોતાની અંતિમ મેચ રમી લીધી હતી.
પઠાણ 27 વર્ષનો હતો ત્યારે 2012માં તેણે પોતાની છેલ્લા ઇન્ટરનેશનલ મેચ રમી હતી. એવો પણ સમય આવ્યો હતો જ્યારે ડાબોડી બોલરને ત્રણેય ફોર્મેટમાં રમાડવા સામે સવાલો ઊભા થયા હતા.
પઠાણે કહ્યું હતું કે ગ્રેગ ચેપલ પર દોષારોપણ કરવા સહિતની ઘણી બાબતો એવી છે કે જે ખરા મુદ્દા પરથી ધ્યાન ભટકાવનારી જ છે. એ પ્રકારની પણ વાત આવી હતી કે ઇરફાનને હવે પહેલા જેવો રસ નથી. તેમણે એક એવી ઇમેજ ઊભી કરી દીધી કે ઇરફાન પહેલા જેવી સ્વિંગ નથી કરાવી શકતો, પણ લોકોએ એ સમજવું જોઇએ કે સમગ્ર મેચમાં તમને એવી સ્વિંગ નહીં મળે જેવી પહેલી 10 ઓવરમાં મળે છે. હું આજે પણ બોલ સ્વિંગ કરાવવામાં સક્ષમ છું.
તેમે કહ્યું હતું કે લોકો મારા પ્રદર્શન અંગે વાતો કરે છે, પણ મારું કામ જ અલગ હતું. હું પહેલા ચેન્જ બોલર તરીકે આવતો હતો અને મારું કામ રનો પર અંકુશ લગાવવાનું હતું. મને યાદ છે કે 2008માં શ્રીલંકા સામેની મેચ જીત્યા પછી મને બહાર મુકી દેવાયો હતો. દેશ માટે મેચ જીત્યા પછી પણ કોઇપણ કારણ વગર તમને ટીમ બહાર કાઢી મુકાય ખરા એવો સવાલ તેણે કર્યો હતો.