જોરદાર લેવાલીથી સોનુ 7 વર્ષની ઉચ્ચ સપાટીએ પહોંચી 41 હજારને પાર

અમેરિકા અને ઇરાન વચ્ચે વધતી તંગદીલીને કારણે શેર બજાર તૂટી રહ્યું છે અને રોકાણકારો વધુ સુરક્ષિત રોકાણની દિશામાં આગળ વધીને સોના તરફ મીટ માંડી રહ્યા છે. ઇન્ટરનેશનલ હોય કે ડોમેસ્ટિક બજાર, સોનાનો ભાવ સતત વધતો જઇ રહ્યો છે. અઠવાડિયાના કામકાજના પહેલા દિવસે જ ઇન્ટરનેશનલ ગોલ્ડ માર્કેટમાં સોનાનો ભાવ 7 વર્ષની ઉચ્ચ સપાટીએ પહોંચી ગચો છે, તો એમસીએક્સ પર પણ વિક્રમી તેજી જોવા મળી રહી છે.

અમેરિકન એર સ્ટ્રાઇકમાં જનરલ સુલેમાની માર્યો ગયા પછી ઇરાને અમેરિકા વિરુદ્ધ આગ ઓકવા માંડી છે. પરિસ્થિતિ યુદ્ધ તરફ આગળ વધી રહી છે, જેના કારણે વિશ્વભરના રોકાણકારોમાં ચિંતા અને અનિશ્ચિતતાનો માહોલ છે. રોકાણકારો શેર માર્કેટમાંથી નફાખોરી કરીને સોનાને સુરક્ષિત ગણી તેમાં રોકાણ કરવા માંડ્યા છે. જેના કારણે સોનામાં જોરદાર લેવાલી આવતા તેનો ભાવ સતત ઉપર જઇ રહ્યો છે. સોમવારે સોનાનો ભાવ 41 હજારથી વધુ પર ટ્રેડ કરતો હતો.

એમસીએક્સ વાયદા બજારમાં 5 ફેબ્રુઆરીવાળુ સોનુ આજે 194 રૂપિયાની તેજી સાથે 40250 પર ખુલ્યું હતુ અને સવારે 10.15 વાગ્યે તે લગભગ 852 રૂપિયાની તેજી સાથે 40964 પર ટ્રેડ કરી રહ્યું હતું. કારોબાર દરમિયાન એક વાર તે 41096ની હાઇ સપાટીએ પહોંચી ગયું હતું. ઇન્ટરનેશનલ ગોલ્ડ બજારમાં સ્પોટ ગોલ્ડ 1.4 ટકાની તેજી સાથે 1573.14 પ્રતિ ઔંસના લેવલે પહોંચી ગયું હતું. શરૂઆતી સેશનમાં તે 1579.55 ડોલર સુધી પહોંચી ગયું હતું, જે 10 એપ્રિલ 2013 પછી તેની સૌથી ઉચ્ચ સપાટી છે. યૂએસ ગોલ્ડ ફ્યુચર્સની વાત કરે તો તે 1.6 ટકાની તેજી સાથે 1577.80 ડોલર પ્રતિ ઔંસના લેવલે જોવા મળ્યું હતું.