દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર, આ તારીખે થશે ચૂંટણી, આ તારીખે થશે મતગણતરી

દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચના વડા સુનીલ અરોરાએ જણાવ્યું કે આજથી દિલ્હીમાં આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. 14મી તારીખે નોટીફેકશન બહાર પાડવામાં આવશે. જ્યારે 21મી જાન્યુઆરી સુધીમાં ઉમેદવારી કરવાની રહેશે. પ્રચાર માટે પંદર દિવસનો સમય આપવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું કે 8 ફેબ્રુઆરીએ મતદાન કરવામાં આવશે અને 11 ફેબ્રુઆરીએ રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 58 સીટો સામાન્ય છે જ્યારે 12 સીટ રિઝર્વ છે.

ચૂંટણી કમિશનરે જણાવ્યું કે હાલની વિધાનસભાનો કાર્યકાળ 22મી ફેબ્રુઆરીએ પુરો થાય છે. ચૂંટણીની તૈયારીઓ માટે પોલીસ અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે. વોટરોને પોલીંગ બૂથ સુધી લાવવા માટે પીક અપ ડ્રોપની સુવિધા કરવામાં આવશે આની જાણકારી વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

દિલ્હી તમામ 70 વિધાનસભા બેઠક માટે એક જ દિવસે મતદાન કરવામાં આવશે. 2015માં 70 સીટમાંથી કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીએ 70માંથી 67 સીટ જીતી લીધી હતી. ભાજપને માત્ર ત્રણ સીટ મળી હતી અને કોંગ્રેસ ઝીરો પર રહી હતી.

દિલ્હીમાં ફરી એક વાર ત્રિકોણીય જંગ જોવા મળવાનો છે. આપ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ વખતે જોરદાર મૂકાબલો થશે. ભાજપે પીએમ મોદીના ચહેરા પર જ દિલ્હીની ચૂંટણી લડવા જઈ રહ્યું છે.