દેશના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મેળવનાર ઇન્દોર કચરામાંથી વર્ષે કમાય છે રૂ. 4 કરોડ

દેશનું સૌથી સ્વચ્છ શબેર ઇન્દોર કચરાનો બહેતર ઉપયોગ કરીને તેમાંથી વર્ષે 4 કરોડ રૂપિયાની કમાણી કરે છે. આ માહિતી રવિવારે મધ્યપ્રદેશના એક અધિકારીએ આપી હતી. મઘ્યપ્રદેશનું ઇન્દોર છેલ્લી ત્રણવારથી દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર થતું આવ્યું છે અને ચોથીવાર પણ આ બિરુદ મેળવવા માટે ઇન્દોર નગર પાલિકા અને જનતા દ્વારા પૂરજોશથી પ્રયાસ થઇ રહ્યા છે.

કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાન માટે ઇન્દોર નગર પાલિકાના સલાહકાર અસદ વારસીએ જણાવ્યું હતું કે પીપીપી મોડલ હેઠળ એક ખાનગી કંપનીના 30 કરોડના રોકાણથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંપન્ન ઓટોમેટિક વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ લગાવાયો છે. દેશમાં સંભવતઃ આ પ્રકારનો આ પહેલો પ્લાન્ટ છે, જેમા દરરોજ 300 ટન સુકા કચરાનું પ્રોસેસિગ કરવામાં આવે છે, તેમણે જણાવ્યું હતું કે રોબોટિક પદ્ધતિવાળા આ પ્લાન્ટની વિશેષતા એ છે કે તેના સેન્સર સુકા કચરાને અલગ કરી દે છે.

પ્રોસેસિંગ પછી સુકા કચરામાંથી કાચ, પ્લાસ્ટિક. કાગળ, ધાતુ સહિતના પદાર્થોના અલગ અલગ બંડલ બહાર નીકળે છે. તેમણે માહિતી આપી હતી કે આ પ્લાન્ટ માટે નગર પાલિકાએ 4 એકર જમીન આપી હતી. જમીન આપવા સિવાય નગર પાલિકાએ આ પ્લાન્ટ સ્થાપવામાં કોઇ નાણાકીય સહાય કરી નથી, પણ કોન્ટ્રાક્ટ અનુસાર આ પ્લાન્ટ લગાવનારી કંપની કચરાના પ્રોસેસિંગમાંથી થનારી આવકમાંથી આઇએમસીને દર વર્ષે 1.51 કરોડનું પ્રિમિયમ ચુકવશે. વારસીએ જણાવ્યું હતું કે આઇએમસી ભીના કચરાના પ્રોસેસિંગમાંથી કંપોસ્ટ ખાતર અને બાયો સીએનજી ઇંધણ બનાવી રહ્યું છે. આ ઉપરાંત નવા બનાવાતા કે જૂના મકાનો તોડાતા જે કાટમાળ નીકળે તેમાંથી ઇંટ, ઇન્ટરલોકિંગ ટાઇલ્સ અને અન્ય બાંધકામ સામગ્રી બનાવવામાં આવે છે અને તેના વેચાણથી વર્ષે કુલ 2.5 કરોડની આવક થાય છે.