શિક્ષણ મંત્રીએ સમાજના નામે રાજનીતિ કરતા લોકો પર કર્યો પ્રહાર: કહ્યું ,”આનાથી સમાજને નુકશાન થયું”

ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષકોની સાથે સમાજના નામે રાજનીતિ કરતા નેતાઓને આડેહાથ લેવાનું ચુક્યા ન હતા. શિક્ષકોની જવાબદારી છે કે શિક્ષકો સામાજિક જવાબદારી નિભાવે. તેમણે વધુ કહ્યું હતું કે, તેઓ તેમના પ્રશ્નોની માંગણીઓને લઇ ગાંધીનગરમાં દર વર્ષે અધિવેશન યોજી રહ્યા છે. ત્યારે તેમની ફરજ બની રહે છે કે તેઓ ગુજરાતનું શિક્ષણનું સ્તર ઊંચું આવે તેના માટે મનોમંથન કરે. ગુજરાતનો વિદ્યાર્થી ગુજરાતી નાપાસ થાય છે ત્યારે શિક્ષણ પ્રધાન તરીકે ઘણું દુઃખ થાય છે. શિક્ષકોની ફરજ છે કે તેઓ સમસ્યાઓના બદલે શિક્ષણ માટે ચિંતન કરે.

ગાંધીનગરમાં રામકથા મેદાન ખાતે ગુજરાત માધ્યમિક શિક્ષણ સંઘનું 28મું અધિવેશન યોજાયું હતું, જેમાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની સમક્ષ શિક્ષકોએ પેંશન સહીતની સમસ્યાઓ રજૂ કરી હતી. જેના જવાબમાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષકોને આડેહાથ લેતા કહ્યું હતું કે, શિક્ષકોએ તેમની માંગણીઓની ચિંતા કરવાને બદલે શિક્ષણના સ્તર બાબતે ચિંતા કરે, પહેલા તો સમય સાચવવાની જરૂર છે. જે શિક્ષકો આઇપીએસ, ડોક્ટર અને નેતા બનાવે છે, તેઓએ એ બાબત પર ધ્યાન આપવાની જરૂર છે.તેમણે કહ્યું કે, આજે પણ ગાંધી વિચારોનું મૂલ્ય એનું એ જ છે, આજે ભલે ખાદી ફેશન માટે વપરાતી હોય પણ જે તે સમયે ખાદી દેશની આઝાદી માટે મહત્વનું યોગદાન આપી ગઈ. શિક્ષકોના પેંશનના પ્રશ્નને લઈને થયેલી વાતને લઈને શિક્ષણ મંત્રીએ કહ્યું કે, આ વિષય કેન્દ્ર સરકારનો છે, જે મુદ્દે એ નિર્ણય લેશે.

તેમણે કહ્યું હતું કે, સમાજના નામે રાજનીતિ કરતા કરતા નેતા બની ગયેલાઓ નેતાઓએ સમાજને નામે રાજનીતિ કરવાને કારણે સમાજને જે નુકશાન થયું છે, ત્યારે શિક્ષકોની જવાબદારી છે કે સમાજમાં સમરસતા જળવાઈ રહે.ગુજરાત જે આ વખતના નીતિ આયોગના સર્વેમાં ૪થા સ્થાને આવ્યું એને હવે કેવી રીતે પહેલા ક્રમાંક સુધી લઇ જવુ જોઈએ એ માટે શિક્ષકો પર પ્રયાસ કરે એ જરૂરી છે. હું તો કરૂ જ છું પણ તમામનો સહયોગ પણ આમાં જોઈએ.