નાથન લિયોને ફરી કીવી બેટ્સમેનોને પંજામાં ફસાવ્યા : ઓસ્ટ્રેલિયાએ કર્યું 3-0થી ક્લિનસ્વીપ

સિડનીમાં રમાયેલી ત્રીજી અંતિમ ટેસ્ટમાં નાથન લિયોનની સ્પિનના ચકરાવે ચડીને ન્યુઝીલેન્ડની ટીમ બીજા દાવમાં 136 રનમાં ઓલઆઉટ થતાં ઓસ્ટ્રેલિયાનો 279 રને વિજય થયો હતો અને તેની સાથે જ તેમણે 3 ટેસ્ટની આ સીરિઝમાં ન્યુઝીલેન્ડને 3-0થી ક્લિનસ્વીપ કર્યું હતું. આ પહેલા ઓસ્ટ્રેલિયા પર્થ ટેસ્ટમાં 296 રને અને મેલબોર્ન ટેસ્ટમાં 247 રને જીત મેળવી ચુક્યું છે. પહેલા દાવમાં પાંચ વિકેટ ઉપાડનાર નાથન લિયોને બીજા દાવમાં પણ 5 વિકેટ ઉપાડીને મેચમાં કુલ 10 વિકેટ લીધી હતી. જો કે આ મેચમાં બેવડી સદી ફટકારનાર માર્નસ લાબૂશેનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો અને તેની સાથે જ તેને જ મેન ઓફ ધ સીરિઝ પણ જાહેર કરાયો હતો.

ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરીને પહેલા દાવમાં 454 રન બનાવ્યા હતા, તે પછી ન્યુઝીલેન્ડનો પહેલો દાવ 256 રનમાં સમટાયો હોવા છતાં તેને ફોલોઓન આપવાને બદલે ઓસ્ટ્રેલિયાએ બીજા દાવ લેવાનો નિર્ણય કરીને 2 વિકેટે 217 રન બનાવીને દાવ ડિકલેર કરીને ન્યૂઝીલેન્ડ સામે 416 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. આ લક્ષ્યાંકનો પીછો કરતાં ન્યૂઝીલેન્ડની ટીમનો બીજો દાવ 136 રનમાં સમેટાયો હતો. પહેલા દાવમાં 68 રનમાં 5 વિકેટ ઉપાડનારા ઓસ્ટ્રેલિયન સ્પિનર લિયોને બીજા દાવમાં 50 રન આપીને 5 વિકેટ ઉપાડીને મેચમાં કુલ 10 વિકેટ ખેરવી હતી,