હેલ્મેટ ફરીથી લાગુ થશે? ગુજરાત સરકારે આપ્યો છે સુપ્રીમ કોર્ટમાં આવો જવાબ, જાણો

ગુજરાતમાં હેલ્મેટનો કાયદો ફરીથી લાગુ થશે કે નહીં તેની ચર્ચા ચાલી રહી છે. વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુએ તાજેતરમાં કહ્યું હતું કે ગુજરાતના લોકોએ હેલ્મેટ પહેરવાની માનસિક્તા કેળવવી પડશે. આ દરમિાનમાં ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં હેલ્મેટને લઈ જવાબ રજૂ કર્યો છે.

ગુજરાત સરકારે મહાનગરપાલિકાઓની હદમાં હેલ્મેટને મરજિયાત કર્યું. જેના પર સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી કમિટીએ ગંભીર નોંધ લઈને ગુજરાત સરકારને આ મામલે જવાબ આપવા કહ્યું હતું. જેનો જવાબ ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં આપ્યો છે.

ગુજરાત સરકારે સુપ્રીમમાં જે જવાબ આપ્યો છે તેમાં ઉલ્લેખ કર્યો છે કે, અમે કાયદાની મર્યાદામાં રહીને આ નિર્ણય લીધો છે. સરકારે કહ્યું હતું કે, માર્ગ સલામતીના કાયદામાં રાહત આપવાનો તેમને અધિકાર છે અને ત્યારે આ મુદ્દે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સામસામે આવી ગઈ છે. રાજ્ય સરકારના આ વલણથી સ્પષ્ટ થાય છે કે, સરકાર મહાનગરપાલિકાઓની ચૂંટણી પહેલાં તો આ કાયદો શહેરોમાં ફરજીયાત નહી જ કરે.

નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી કમિટીએ રાજ્ય સરકારના નિર્ણયને કડક શબ્દોમાં વખોડ્યો હતો અને આ મામલે વિચારવા અને જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો. જેનો સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકારે જવાબ આપતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારને પણ હેલ્મેટ અંગે જરૂરી નિર્ણયો લેવાની સત્તા છે. અમે કાયદાની મર્યાદામાં રહીને આ નિર્ણય લીધો છે. સરકારે કહ્યું હતું કે માર્ગ સલામતીના કાયદામાં રાહત આપવાનો તેમને અધિકાર છે. જો રાજ્યમાં આ કાયદાની જરૂરિયાત ઉભી થશે તો તેને ફરી ફરજીયાત લાગુ કરવામાં આવશે તેવું સરકારે સુપ્રીમમાં જણાવ્યું છે.