સુલેમાનીની દફનવિધિ પહેલાં જ ઈરાને બતાવ્યો દમ, અમેરિકાથી બદલો શરૂ, એમ્બેસી અને US આર્મીના બેઝ પર હુમલો

ઈરાનના જનરલ કાસીમ સુલેમાનીના અંત પછી ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો છે. મોડી રાત્રે બગદાદમાં યુએસ દૂતાવાસ પર રોકેટથી હુમલો કરાયો હતો અને ફક્ત દૂતાવાસ જ નહીં પરંતુ યુએસ સૈન્ય મથક ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કોઈના મોત થયાના સમાચાર નથી, પરંતુ કાસીમ સુલેમાની પરના હુમલા સાથે જોડાયેલો છે. જોકે સત્તાવાર રીતે કોઈએ પણ આ હુમલાની જવાબદારી લીધી નથી.

ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ ખૌમેનીના સૌથી અંગત જનરલ કાસીમ સુલેમાનીના મોત પછી જેની આશંકા હતી તેવું બરાબર બન્યું હતું. ઇરાકમાં યુએસ દૂતાવાસ વિસ્ફોટથી હચમચી ઉઠ્યું હતું. મધ્યરાત્રિ પહેલા બગદાદમાં યુએસ દૂતાવાસની અંદર રોકેટ છોડવામાં આવ્યા હતા. અમેરિકન દૂતાવાસની અંદર રોકેટ ફૂટતા સમગ્ર વિસ્તારમાં અરાજકતા સર્જાઈ જવા પામી હતી.

વિસ્ફોટનો અવાજ સાંભળી નાસભાગ મચી ગઈ હતી. હુમલો થતાંની સાથે જ અમેરિકન સેના કાર્યવાહીમાં લાગી ગઈ અને બગદાદ ઉપર અમેરિકન હેલિકોપ્ટર પેટ્રોલીંગ શરૂ કરી દીધું હતું. બગદાદના ગ્રીન ઝોનમાં અમેરિકન આર્મીના બેઝ પર રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો. આ ગ્રીન ઝોન ખૂબ સલામત સ્થળ છે જ્યાં યુએસ એમ્બેસી છે. એક રોકેટ ગ્રીન ઝોનની અંદર પડ્યો હતો જ્યારે બીજો દૂતાવાસની બરાબર નજીક ફૂટ્યો હતો. હાલ ઈરાકમાં 5200 જેટલા અમેરિકાની આર્મી તૈનાત છે.