રિસાયેલા સત્તારભાઉ મળશે મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેને, શિવસેનાએ ફગાવી રાજીનામાની વાત

અબ્દુલ સત્તાર સાથે શિવસેનાની નારાજગી અને મહારાષ્ટ્રના મંત્રી પદ પરથી રાજીનામું આપવાના ન્યૂઝ અંગે શિવસેના નેતા અર્જુન ખોતકરે કહ્યું કે અબ્દુલ સત્તારના રાજીનામાનો કોઈ સવાલ નથી. આ અફવા છે, ન્યૂઝ આધારહીન છે. સત્તારભાઉ આવતીકાલે સીએમ ઉદ્ધવ ઠાકરેને મળશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એવા ન્યૂઝ આવ્યા હતા કે મહારાષ્ટ્રમાં મંત્રીમંડળને ખાતાની ફાળવણી પહેલા રોષે ભરાઈને શિવસેના ક્વોટામાથી મંત્રી બનેલા અબ્દુલ સત્તારે રાજીનામું આપી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો જોઈતો હતો છે પણ તેમને રાજ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા.

તમને જણાવી દઇએ કે 30 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણમાં અવગણના કરાઈ હોવાના કારણોસર સેનાના ઘણા વરિષ્ઠ નેતાઓમાં અસંતોષ અને નારાજગી જોવા મળી રહી છે. અગાઉની કોંગ્રેસ-એનસીપી સરકારોમાં ઘણા ધારાસભ્યો કેબિનેટ મંત્રી હતા, તેઓને શિવસેનાના ક્વોટામાંથી કેબિનેટ બર્થ આપવામાં આવે તેવી આશા હતી. શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ત્રણ અપક્ષ ધારાસભ્યો પૈકી એકને કેબિનેટ અને બેને રાજ્યકક્ષાનું મંત્રી પદ આપ્યું છે જેનાથી સેનાના ધારાસભ્યો અકળાયેલા છે.

અબ્દુલ સત્તાર કોંગ્રેસમાં હતા અને વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી શિવસેનામાં જોડાયા હતા. કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વથી નારાજ થઈને તેમણે કોંગ્રેસ છોડી દીધી. અબ્દુલ સત્તારને મરાઠાવાડામાં ઔરંગાબાદના ગ્રાઉન્ડ લેવલે કામ કરતા નેતા તરીકે ઓળખવામાં આવે છે.