ખાતા ફાળવણી પહેલાંજ ઠાકરે સરકારને ઝટકો, આ મંત્રીએ આપ્યું રાજીનામું

મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારની રચના બાદથી જ મોટી મોકાણો સર્જાતી રહી છે. ઉદ્વવ ઠાકરે દ્વારા મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવે તે પહેલાં જ અબ્દુલ સત્તારે મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે અને તેમણે પોતાનું રાજીનામું ઉદ્વવ ઠાકરને સોંપ્યું નથી. અબ્દુલ સત્તાર રાજ્ય મંત્રી બનાવવાને લઈ નારાજ ચાલી રહ્યા હતા અને તેમને અસંતોષ હતો.

તાજેતરમાં 36 નવા પ્રધાનોએ ઉદ્ધવ સરકારમાં શપથ લીધા, જેમાં એક નાયબ મુખ્યમંત્રી, 25 કેબિનેટ અને 10 રાજ્ય પ્રધાનોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, માત્ર કોંગ્રેસ અને એનસીપી જ નહીં, પરંતુ શિવસેનાએ પણ મહારાષ્ટ્રમાં મુસ્લિમ સમુદાયને તેમની સાથે રાખવા તેમના ક્વોટામાંથી એક પ્રધાન બનાવ્યો છે.

અબ્દુલ સત્તારને રાજ્ય પ્રધાન બનાવવામાં આવતાં તેઓ નારાજ હોવાનું જણાવાઈ રહ્યું હતું. અબ્દુલ સત્તારે રાજીનામું મુખ્યમંત્રી ઠાકરે મોકલ્યું નથી, પણ શિવસેનાના એક નેતાને મોકલ્યું છે. આ ઘટના બાદ શિવસેનાના નેતાઓએ સત્તારને મનાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે પરંતુ તેઓ તેમના ઇરાદા પર અડગ રહેવાની વાત કરી રહ્યા છે.

અબ્દુલ સત્તારના રાજીનામાને પ્રેશર ટેક્ટિક્સ માનવામાં આ રહી છે. તેમને જુનિયર મંત્રાલય કેમ આપવામાં આવ્યું તે અંગે અબ્દુલ સત્તાર ખાસ્સા નારાજ હતા. સત્તારનું રાજીનામું મુખ્યમંત્રી કાર્યાલયને મળવાનું બાકી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સત્તારે રાજીનામું પત્ર પાર્ટી સેક્રેટરી અનિલ દેસાઈને મોકલી દીધું છે. સત્તાર સાથે સંકળાયેલા વિશ્વસનીય સૂત્રોએ મીડિયાને જણાવ્યું હતું કે દબાણ ઉભૂં કરવા માટે અબ્દુલ સત્તારે આ પગલું ભર્યું છે.

 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં જ તેમના પ્રધાનમંડળનો વિસ્તાર કર્યો. ઉદ્ધવના પુત્ર આદિત્ય ઠાકરે સહિત 35 ધારાસભ્યોએ પદના શપથ લીધા, જેમાં કેબિનેટના 25 અને રાજ્ય પ્રધાનના 10 સમાવેશ થાય છે. રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના વરિષ્ઠ નેતા અજિત પવારે ચોથી વખત નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેતા રેકોર્ડ બનાવ્યો.

આદિત્ય ઠાકરે અને મહા વિકાસ આઘાડીના અન્ય નેતાઓને કેબીનેટ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ, એનસીપી નેતા ધનંજય મુંડે, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ દિલીપ વલસે-પાટીલ અને એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા નવાબ મલિકનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

2014 પછી પહેલીવાર મંત્રાલયમાં ચાર મુસ્લિમ ચહેરાઓ જોવા મળી રહ્યા છે. શિવસેનાના અબ્દુલ સત્તાર નબી (રાજ્ય પ્રધાન), નવાબ મલિક અને એનસીપીના હસન મુશ્રીફ અને કોંગ્રેસના અસલમ શેખને એમ તમામને કેબિનેટ કક્ષાના પદ આપવામાં આવ્યા છે.