માર્નસ લાબૂશેને બેવડી સદી ફટકારીને રચ્યો ઇતિહાસ : સ્મિથને પાછળ છોડી બ્રેડમેન પછી બીજા ક્રમે

જોરદાર ફોર્મમાં ચાલી રહેલા ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબૂશેને સિડની ટેસ્ટના બીજા દિવસે શનિવારે ટેસ્ટ કેરિયરની પોતાની પહેલી બેવડી સદી ફટકારી હતી. 25 વર્ષિય લાબૂશેને બીજા દિવસે લંચ બ્રેક પછીની રમતમાં ચોગ્ગો ફટકારીને 346 બોલમાં 19 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી પોતાની કેરિયરની પહેલી બેવડી સદી ફટકારીને નવા વર્ષની પ્રભાવક શરૂઆત કરી હતી. નવા વર્ષે બેવડી સદી ફટકારનારો તે વિશ્વનો પહેલો બેટ્સમેન બન્યો હતો. લાબૂશેનની છેલ્લી પાંચ ટેસ્ટમાં આ ચોથી અને આ સીરિઝની બીજી સદી રહી હતી. લાબૂશેન ટી બ્રેક પહેલા 215 રનની મેરેથોન ઇનિંગ રમીને ટોડ અસ્ટલના બોલે આઉટ થયો હતો. લાબૂશેને બેવડી સદી પુરી કરી ત્યારે સ્ટેડિયમમાં હાજર તેના પિતા ખુશીથી ઉછળી પડ્યા હતા.

લાબૂશેને આ મામલે સ્ટીવ સ્મિથને પાછળ છોડી દીધો

લાબૂશેને પોતાની કેરિયરની આ 14મી ટેસ્ટ રમીને તેમાં પોતાની પહેલી બેવડી સદી ફટકારી તેની સાથે જ તેણે પોતાની ટીમના સાથીદાર અને માજી ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથને ટેસ્ટ એવરેજ મામલે પાછળ મુકી દીધો હતો. સ્ટીવ સ્મિથ 62.84ની ટેસ્ટ એવરેજ ધરાવે છે. જ્ચારે લાબૂશેનની હાલની એવરેજ 65થી વધુ થઇ ગઇ છે.

ટેસ્ટમાં એવરેજ મામલે લાબૂશેન ડોન બ્રેડમેન પછી બીજા સ્થાને

ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં સર્વાધિક 99.94ની એવરેજ સાથે આજે પણ ડોન બ્રેડમેન વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. તેમની એ એવરેજની નજીક તો શું કોઇ 70થી વધુની એવરેજ સુધી પણ પહોંચી શક્યું નથી. જો કે માત્ર 14 ટેસ્ટ રમનારા લાબૂશેને 65.47ની એવરેજ સાથે ટેસ્ટ એવરેજના મામલે વિશ્વના અન્ય દિગ્ગજોને પાછળ છોડીને ડોન બ્રેડમેન પછી બીજા ક્રમે પહોંચી ગયો છે અને હાલના તમામ બેટ્સમેનોને તેણે પાછળ મુકી દીધા છે.

ઓસ્ટ્રેલિયાની ધરતી પર 5 ટેસ્ટમાં 800થી વધુ રન કરનારો લાબૂશેન ચોથો બેટ્સમેન

ઓક્ટોબર 2018માં પાકિસ્તાન સામે આકસ્મિક રીતે ટેસ્ટ ડેબ્યુ કરનાર માર્નસ લાબૂશેને છેલ્લા છ મહિનામાં પોતાનું સર્વશ્રેષ્ઠ ફોર્મ બતાવ્યું છે. કન્કશન સબસ્ટિટ્યૂટ તરીકે ટેસ્ટમાં એન્ટ્રી કરનાર લાબૂશેને પોતાને મળેલી એ તકનો યોગ્ય ઉપયોગ કરીને ટેસ્ટ ટીમમાં પોતાનું કાયમી સ્થાન ઊભું કર્યું છે. અને આ સિઝનમાં તે 5 ટેસ્ટમાં 800 પ્લસ રન બનાવીને દિગ્ગજોની હરોળમાં બેઠો છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર પાચ ટેસ્ટની સિઝનમાં 800 પ્લસ રન કરનારો તે ચોથો બેટ્સમેન છે. તેના પહેલા ઇંગ્લેન્ડના વોલી હેમન્ડ 905, ઓસ્ટ્રેલિયાના નિલ હાર્વે 834 અને ડોન બ્રેડમેન 801 અને 806 રન બનાવી ચુક્યા છે. વર્તમાનમાં કોઇ ખેલાડી પાંચ ટેસ્ટમાં આટલા રન બનાવી શક્યો નથી.