અંડર-21 સિંગલ્સ રેન્કિંગમાં સુરતનો માનવ ઠક્કર વર્લ્ડ નંબર વન બન્યો

ભારતનો યુવા ટેબલ ટેનિસ ખેલાડી મુળ સુરતનો માનવ ઠક્કર અંડર 21 મેન્સ સિંગલ્સના વર્લ્ડ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી ગયો છે. વર્લ્ડ રેન્કિંગમા ટોચનું સ્થાન મેળવનારો તે ચોથો ભારતીય ખેલાડી બન્યો છે. તેના પહેલા સુરતનો જ હરમિત દેસાઇ, ઉપરાંત જી સાથિયાન અને સૌમ્યજીત ઘોષ આ ગૌરવ મેળવી ચુક્યા છે. માનવ ફેબ્રુઆરી 2018માં અંડર-18માં પણ નંબર વન રહી ચુકયો છે.

19 વર્ષિય માનવ ઠક્કરે ડિસેમ્બરમા કેનેડાના મારખામ ખાતે આઇટીટીએફ ચેલેન્જ પ્લસ બેનમેક્સ વર્ગો નોર્થ અમેરિકન ઓપન જીત્યા પછી હાલના રેન્કિંગમાં આ ટોચનું સ્થાન મેળવ્યું છે. માનવે ફાઇનલમાં આર્જેન્ટીનાના માર્ટિન બેનેટનકોરને 11-3, 11-5, 11-6થી હરાવ્યો હતો. માનવ 2018માં જાકાર્તામાં રમાયેલી એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય ટીમનો સભ્ય રહી ચુક્યો છે. આજે જાહેર થયેલા સીનિયર રેન્કિંગમાં અન્ય ભારતીયોમાં જી સાથિયાને પોતાનું 30મુ સ્થાન જાળવી રાખ્યું છે. અચંત શરથ કમલ એક ક્રમના સુધારા સાથે 33માં ક્રમે આવી ગયો છે. મહિલા વિભાગમાં મનિકા બત્રા 61માં ક્રમાંકે છે.