બુમરાહે ગુવાહાટીમાં પૂરા જોશ સાથે નેટ પ્રેક્ટિસ કરી

સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે ઝડપી બોલર જસપ્રીત બુમરાહે વિરામ લીધા પછી હવે તે ફિટ થઇને પુરા જોશ સાથે પાછો ફર્યો છે અને રવિવારે અહીં રમાનારી શ્રીલંકા સામેની પહેલી ટી-20 પહેલા બુમરાહે પોતાના ચિરપરિચિત અંદાજમાં નેટ પ્રેક્ટિસમાં બોલિંગ કરી હતી. મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની આગેવાની હેઠળના ટીમના સપોર્ટ સ્ટાફે બુમરાહ પર ઝીણવટભરી નજર રાખી હતી.

અહીંના ઠંડી હવા સાથેના વાતાવરણ વચ્ચે બુમરાહે પુરી ઝડપ સાથે બોલિંગ કરી હતી અને તેણે પોતાની પ્રેક્ટિસ દરમિચાન યોર્કર, અલગઅલગ બાઉન્સર સહિતની વેરાઇટીસભર બોલિંગ કરી હતી, તેણે માત્ર એક સ્ટમ્પ સાથે પણ પ્રેક્ટિસ કરી હતી. તેની સાથે શાર્દુલ ઠાકુર અને શિવમ દુબે પણ જોડાયા હતા. દરેક બોલ ફેક્યા પછી બુમરાહે બોલિંગ કોચ ભરત અરુણ સહિત ટીમની થીન્ક ટેન્ક સાથે વાતચીત કરી હતી. બીસીસીઆઇએ બુમરાહની બોલિંગ પ્રેક્ટિસનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે યોર્કર વડે સ્ટમ્પ ઉડાવતો જોવા મળે છે.