રાજસ્થાનમાં સીએએના સમર્થનમાં જાગરૂકતા અભિયાનની શરૂઆત કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે જાહેર કર્યુ હતુ કે સીટીઝન એમેડમેન્ટ એક્ટ (સીએએ)ના અમલીકરણ મામલે કેન્દ્ર સરકાર તસુભાર પણ પીછેહઠ નહીં કરે. દેશના વિવિધ ભાગોમાં વિવાદીત કાયદાના સમર્થન અને વિરોધમાં રેલીઓ થઈ રહી છે કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયને 11 બિનભાજપ મુખ્યમંત્રીઓને પત્ર લખીને કહ્યું છે જેમ તેમના રાજ્યએ સીએએને રદ્દ કરવાની માગણી કરતો ઠરાવ પસાર કર્યો છે તેનું અનુસરણ તેમના રાજ્યો પણ કરે.
અમિત શાહે કોંગ્રેસ પર મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવતા પક્ષના નેતા રાહુલ ગાંધીને ચર્ચા કરવાનો પડકાર આપ્યો હતો જો તેમણે આ કાયદો વાંચ્યો હોય. ‘રાહુલ બાબા જો તમે સીએએ વાંચ્યો હોય તો કોઈ પણ જગ્યાએ ચર્ચા માટે આવો. અને જો નથી વાંચ્યો હું તેને ઈટાલીયનમાં ભાષાન્તર કરી મોકલાવી આપીશ.’ શનિવારથી ભાજપ દેશભરમાં 500 રેલી કરશે જેમાં 3 કરોડ લોકોનો સંપર્ક કરવામાં આવશે, એમ તેમણે કહ્યુ હતુ. અમિત શાહે કહ્યું હતું ‘ આ સમસ્ત વિરોધી પક્ષોને એક થવા દો. ભાજપ સીએએ પર એક ઈંચ પણ પાછળ હટવાનો નથી’