સિડની ટેસ્ટ : લાબૂશેનની સદી સાથે ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની મજબૂત શરૂઆત

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે અહીં શરૂ થયેલી ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે માર્નસ લાબૂશેને ફટકારેલી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટે 283 રન બનાવી લઇને મજબૂત શરૂઆત કરી હતી. પોતાની 14મી ટેસ્ટમાં લાબૂશેને ચોથી સદી ફટકારી હતી. ત્રીજા નબરે ઉતરેલો લાબૂશેને આ ઇનિંગમાં 61.69ના સ્ટ્રાઇક રેટથી નોટઆઉટ 130 રન બનાવીને હાલ રમતમાં છે. આ સીરિઝમાં આ તેની બીજી સદી છે.

સ્ટીવ સ્મિથે તેનો સારો સાથ આપીને પોતાની કેરિયરની 28મી અર્ધસદી ફટકારી હતી. પહેલા દિવસની રમત પૂર્ણ થઇ ત્યારે લાબૂશેન 130 અને મેથ્યુ વેડ 22 રને રમતમાં હતા. લાબૂશેને સ્મિથ સાથે મળીને 156 રનની ભાગીદારી કરી હતી, સ્મિથ 182 બોલમાં 63 રન કરીને આઉટ થયો હતો, તેના પહેલા ડેવિડ વોર્નર 45 રન બનાવીને જ્યારે જો બર્ન્સ માત્ર 18 રન કરીને આઉટ થયા હતા.

ન્યુઝીલેન્ડે આજે પોતાની ટીમમાં પાંચ ફેરફાર કર્યા હતા. કેપ્ટન કેન વિલિયમ્સન બિમાર હોવાને કારણે મેચ રમી શક્યો નહોતો અને તેના સ્થાને ટોમ લાથમે કેપ્ટનશીપ સંભાળી હતી, હેનરી નિકોલ્સ અને મિચેલ સેન્ટનર પણ બિમાર છે. જ્યારે ટિમ સાઉધીને સ્થાને લેગ સ્પિનર ટોડ એસ્ટલને ટીમમાં સામેલ કરાયો છે. આ ઉપરાંત બેટ્સમેન ગ્લેન ફિલિપ્સે આ ટેસ્ટથી ડેબ્યુ કર્યું છે. વિલ સમરવિલે, મેટ હેનરી અને જીત રાવલને પણ આ ટેસ્ટ માટેની અંતિમ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે.