બગદાદ પર મિસાઇલનો મારો ચલાવી અમેરિકાએ ઇરાનના બાહુબલી જનરલ કાસિમ સુલેમાનીને ઠાર કર્યા

ફ્લોરિડામાં રજા ગાળી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ઼્ડ ટ્રમ્પે ભારતીય સમયાનુસાર શુક્રવારે સવારે આઠ વાગ્યે એક ટિ્વટ કર્યું હતુ. આ ટિ્વટમાં તેમણે કંઇ લખ્યું નહોતું માત્ર અમેરિકાનો ધ્વજ પોસ્ટ કર્યો હતો. હકીકતમાં ટ્રમ્પના આ ટિ્વટની ક્રોનોલોજી ઇરાકના બગદાદમાં અમેરિકન સૈન્યની એ એર સ્ટ્રાઇક સાથે જોડાયેલી છે, જેમાં ઇરાનના સૌથી શક્તિશાળી જનરલ કાસિમ સુલેમાનીને મારી નાંખવામાં આવ્યા હતા. આ હુમલાના થોડા કલાકો પછી કરાયેલું ટ્રમ્પનું આ ટિ્વટ વિજયની ઉજવણી અને ઇરાન માટે મેસેજ તરીકે જોવામાં આવી રહ્યું છે.

ઇરાનની અંત્યત તાલિમબદ્ધ કુદ્રસ ફોર્સના વડા સુલેમાનીનો કાફલો બગદાદ અરપોર્ટ ભણી આગળ વધી રહ્યો હતો ત્યારે અમેરિકન સૈન્ય દ્વારા હુમલો કરાયો હતો. આ હુમલામાં ઇરાન સમર્થિત પોપ્યુલર મોબલાઇઝેશન ફોર્સના ડેપ્યુટી કમાન્ડર અબુ મહેંદી અલ મુદાહિસ પણ માર્યા ગયા હોવાના અહેવાલ છે. તે પછી અમેરિકાએ જાહેર કર્યું હતું કે સુલેમાનીને મારવાનો આદેશ ટ્રમ્પે જ આપ્યો હતો.

પેન્ટાગોન અને ઇરાને કાસિમ સુલેમાની માર્યા ગયા હોવાની વાતની પુષ્ટિ કરી

પેન્ટાગોન અને ઇરાને કાસિમ સુલેમાનીના મોતની પુષ્ટિ કરી હતી. ઇરાનના સરકારી ટીવીએ કાસિમ સુલેમાની માર્યા ગયા હોવાની વાતની પુષ્ટિ કરી હતી. આ તરફ અમેરિકન મીડિયાના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પછી અમેરિકન સૈન્યએ ઇરાનના સીનિયર કમાન્ડર સુલેમાનીને ઢાળી દીધો હતો. સુલેમાની પશ્ચિમ એશિયામાં ઇરાની ગતિવિધિઓ ચલાવવા માટે મુખ્ય વ્યુહકાર ગણાતો હતો. સુલેમાની પર સાથે જ સીરિયામાં પોતાના મુળીય ઉંડા કરવાનો અને ઇઝરાયલ પર રોકેટ એટેક કરવાનો આરોપ હતો, અમેરિકાને લાંબા સમયથી સુલેમાનીની શોધ હતી.

અમેરિકન પગલાંથી પશ્ચિમ એશિયામાં તંગદીલી વધવાની આશંકા

અમેરિકાએ કરેલા આ હુમલા પછી હવે પશ્ચિમ એશિયામાં તંગદીલી વધવાનું નિશ્ચિત મનાઇ રહ્યું છે. અમેરિકાએ આ હુમલો એવા સમયે કર્યો છે કે જ્યારે ઇરાન સમર્થિત મિલિશિયાએ બગદાદ સ્થિત અમેરિકન દુતાવાસ પર હુમલો કર્યો હતો. થોડા દિવસો પહેલા અમેરિકન નાણા મંત્રાલયે આરોપ મુક્યો હતો કે વિદેશી અભિયાનો માટે જવાબદાર ઇરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સના એક યુનિટ કદ્સ ફોર્સે ક્રુડ ઓઇલના માધ્યમથી અસદ અને તેમના લેબેનોની સાથી હિઝબુલ્લાનું સમર્થન કર્યું હતું.

એરપોર્ટ પર જ માર્યો ગયો કાસિમ સુલેમાની

ઇરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી સૈન્યની એક શક્તિશાળી વિંગ કદસ ફોર્સનો સુલેમાની વડો હતો. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે અલ મુહાદીસ એક કાફલા સાથે સુલેમાનીને રિસીવ કરવા પહોંચ્યા હતા. એવું કહેવાય છે કે સુલેમાનીનું વિમાન સિરીયાથી લેબેનોન પહોંચ્યું હતું. જેવો સુલેમાની વિમાનમાંથી ઉતર્યો અને મુહાનદિસ સાથે મળી રહ્યા હતા ત્યારે જ અમેરિકાએ મિસાઇલ હુમલો કર્યો હતો અને તે તમામ ત્યાં જ માર્યા ગયા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સુલેમાનીનો મૃતદેહ તેની વીંટીના આધારે ઓળખાયો હતો.

ઘણીવાર સુલેમાનીના મરવાની અફવા ફેલાઇ હતી

ઇરાનનો બાહુબલી જનલર કાસિમ સુલેમાની માર્યો ગયો હોવાની અફવા ઘણીવાર ફેલાઇ ચુકી છે. 2006માં ઉત્તરપશ્ચિમી ઇરાનમાં એક વિમાન દુર્ઘટનામાં તેના માર્યા જવાની અફવા ફેલાઇ હતી. તે પછી 2012માં દમિશ્કમાં એક હવાઇ હુમલામાં તે માર્યો ગયો હોવાની અફવા ફેલાઇ હતી. હાલમાં જ ડિસેમ્બર 2015માં સિરીયામાં યુદ્ધ દરમિયાન ગંભીર રૂપે તે ઘવાયાની અને પછી માર્યો ગયો હોવાની અફવા ફેલાઇ હતી.