મજબૂત સુરક્ષા વચ્ચે શ્રીલંકન ટીમનું ટી-20 સીરિઝ માટે ગુવાહાટીમાં આગમન

દિગ્ગજ ઝડપી બોલર લસિથ મલિંગાની આગેવાની હેઠળની શ્રીલંકન ટી-20 ટીમ ભારત સામેની 3 મેચની સીરિઝ રમવા માટે સીએએ સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે મજબૂત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ગુરૂવારે અહીં આવી પહોંચી હતી. સુરક્ષા કવરની વચ્ચે શ્રીલંકાની ટીમ સીધી ટીમ હોટલ પહોંચી હતી. રવિવારે રમાનારી સીરિઝની પહેલી મેચ માટે ભારતીય ટીમના સભ્યો અલગઅલગ ટુકડીઓમાં શુક્રવારે અહીં પહોંચી જાય તેવી સંભાવના છે. આસામ ક્રિકેટ એસોસિએશન (એસીએ)ના અધિકારીએ કહ્યું હતું કે બંને ટીમ વૈકલ્પિક ટ્રેનિંગ સેશન કરશે. જેમાં ભારત પછી સાંજે શ્રીલંકનો નેટ સેશન કરશે.

ડિસેમ્બરમાં સમગ્ર રાજ્યમાં સીએએ વિરોધી પ્રદર્શન ચાલ્યા હતા અને કરફ્યુને કારણે રણજી તેમજ ડોમેસ્ટિક લેવલની અંડર 19 મેચ તેનાથી પ્રભાવિત થઇ હતી. એસીએના સચિવ દેવજીત સૈકીયાએ કહ્યું હતું કે જો કે હવે પરિસ્થિતિ સામાન્ય છે અને રાજ્યમાં ટૂરીઝમ પાછુ ફર્યું છે. અમે 10 જાન્યુઆરીથી ખેલો ઇન્ડિયા ગેમ્સ પણ યોજી રહ્યા છે, જેમાં 7 હજાર ખેલાડીઓ ભાગ લેશે. તેમણે ઉમેર્યું હતું કે 39500ની ક્ષમતા ઘરાવતા બરસપારા સ્ટેડિયમમાં રમાનારી પહેલી મેચની અંદાજે 27,000 ટિકીટ વેચાઇ ગઇ છે.