કેન્દ્ર સરકારે રામ મંદિરના નિર્માણ માટે એડિશનલ સેક્રેટરીની અધ્યક્ષતામાં વિશેષ ડેસ્ક બનાવ્યું

સર્વોચ્ચ અદાલત દ્વારા અયોધ્યા મુદ્દે આપેલા આદેશ સંબધિત બાબતોને જોવા સરકારે એક પાંખની સ્થાપના કરી છે જેની અધ્યક્ષતા એડિશનલ સેક્રેટરી કરશે. સત્તાવાર આદેશમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યુ હતુ અયોધ્યા બાબત અને તેનાથી સંબધિત અદાલતના ચુકાદાને 3 અધિકારીઓ જોશે જેની અધ્યક્ષતા એડિશનલ સેક્રેટરી ગ્યનેશ કુમાર કરશે. 9 નવેમ્બરના રોજ સર્વોચ્ચ અદાલતે અયોધ્યામાં વિવાદીત સ્થળ પર રામ મંદિરના નિર્માણની મંજૂરી આપી હતી જેને જોતા આ પગલું મહત્વપૂર્ણ છે. ટોચની અદાલતે આ સાથે જ ઉત્તર પ્રદેશ સુન્ની વક્ફ બોર્ડને અયોધ્યામાં મસ્જિદ બનાવવા 5 એકડ જમીન ફાળવવાના અને રામ મંદિરના નિર્માણ માટે એક ટ્રસ્ટ બનાવવાના પણ આદેશ આપ્યા હતા.

ગૃહ મંત્રાલયની આ નવી પાંખ અયોધ્યાથી સંબધિત તમામ મુદ્દાઓને જોશે. અહેવાલ મુજબ ઉત્તર પ્રદેશ સરકારે ગૃહ મંત્રાલયને એક દરખાસ્ત મોકલી છે જેમાં અયોધ્યામાં 3 પ્લોટ સૂચવવામાં આવ્યા છે જે પૈકી એક યુપી સુન્ની વક્ફ બોર્ડને આપી શકાય છે. રસપ્રદ રીતે જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો ખેંચવામા અને તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજીત કરવાના કેન્દ્ર સરકારના પગલામાં ગ્યનેશ કુમાર મહત્વપૂર્ણ અધિકારી હતા. અત્યાર સુધી અયોધ્યા અને રામ જન્મ ભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદથી સંબધિત કેસોને ગૃહ મંત્રાલયનું આંતરીક સુરક્ષા-આઈ ખાતુ જોઈ રહ્યુ હતુ. 1990 અને 2000ના શરૂઆતી વર્ષમાં અયોધ્યાથી સંબધિત વિશેષ ખાતુ હતુ પણ અયોધ્યા પર લિબ્રહાન કમિશનના અહેવાલ બાદ તેને બંધ કરી દેવાયુ હતુ.