રાજસ્થાનના કોટામાં 104 નવજાત બાળકોના મોત: સોનિયા ગાંધીએ માંગ્યો ગેહલોત સરકારનો ખૂલાસો

રાજસ્થાનના કોટામાં બાળકોના મોતનું પ્રમાણ સતત વધી રહ્યું છે. મોતનો આંકડો ૧૦૪ પર પહોંચી જતા હાહાકાર મચી ગયો છે. વર્ષના પહેલા દિવસે પણ ૩ બાળકોના મોત થયા હતાં અને ગુરુવારે પણ એક બાળકનું મોત થયું છે. કોટાના પ્રભારી મંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાસ અને સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્મા આજે કોટા પહોંચવાના છે. આ સિવાય કેન્દ્રની હાઈ લેવલ ટીમ પણ કોટા પહોંચવાની છે. સોનિયા ગાંધીએ ગેહલોત સરકાર પાસે બાળકોના મોત અંગે ખુલાસો માંગ્યો છે અને રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી પાસેથી રિપોર્ટ પણ માંગ્યો છે.

કોટામાં બાળકોના મોતનો આંકડો આ પહેલી વખત નથી. 2014 માં 15,719 બાળકો હોસ્પિટલમાં દાખલ થયા હતાં અને તેમાંથી 1198 બાળકોને બચાવી શકાયા નહતા. 2015માં 17,579 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં, તેમાંથી 1260 બાળકોને બચાવી શકાયા નહતાં.

અહીં જેકે લોન હોસ્પિટલમાં 104 નવજાત બાળકોના મોત પછી હવે ગેહલોત સરકારની ઊંઘ ઊડી છે. ઘણાં દિવસોથી ટવિટર અને મીડિયામાં સરકારના બચાવમાં નિવેદન આપતા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્મા અંતે આજે કોટા સ્થિતિ જોવા જવાના છે. ડોક્ટર્સની ટીમ અને ચિકિત્સા વિભાગના અધિકારી સાથે સમીક્ષા બેઠક કરવાના છે. કેન્દ્રના નિર્દેશ પર સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની પાંચ સભ્યોની ટીમ કોટાની મુલાકાત લેશે.

ગયા મહિને જેકે લોન હોસ્પિટલમાં સતત બાળકોના મોત થયા હતાં, પરંતુ ત્યારે મંત્રી રઘુ શર્મા પોતે કોટા જવાની જગ્યાએ જયપુરમાં કરીને ગઈ વખતે ભાજપ સરકારમાં કેટલા બાળકોના મોત થયા તેનો આંકડો ગણાવી રહ્યા હતાં, જ્યારે રપ ડિસેમ્બર પછી અચાનક આંકડો વધવા લાગ્યો ત્યારે તેમણે માત્ર એક તપાસ કમિટીને કોટા મોકલીને માહિતી લીધી હતી. આ રિપોર્ટના આધારે અમુક ડોક્ટર્સની ટ્રાન્સફર કરવામાં આવી.

રાજસ્થાનમાં કોટાની હોસ્પિટલમાં એક મહિનામાં 104 બાળકોના મૃતયુ થયા પછી રાજસ્થાન સરકાર ઘેરાઈ ગઈ છે. આ મુદ્દે ભારતીય જનતા પક્ષે મુખ્યમંત્રી અશોક ગેહલોત પર તો આક્ષેપોનો મારો ચલાવ્યો છે. જ્યારે ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં ટપોટપ બાળકોના મૃત્યુ થઈ રહ્યા હતાં, ત્યારે તો જવાબદારી તંત્રો પર ઢોળીને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાની સરકારનો બચાવ કરી રહ્યા હતાં, પરંતુ હવે જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્યમાં કમનસીબે બાળકોના મૃત્યુ થવા લાગ્યા, ત્યારે તેઓ પણ રાજનીતિ કરવા લાગ્યા છે અને કોંગ્રેસની સર્વોચ્ચ નેતાગીરી પર સવાલો ઊઠાવવા લાગ્યા છે, તો વસુંધરા સરકાર વખતે આક્ષેપોનો મારો ચલાવનારા રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી અત્યારે બચાવની મુદ્રામાં છે.