ઈરાને આપી બદલો લેવાની ધમકી, પોતાના નાગરિકોને ઈરાક છોડવા અમેરિકાનો આદેશ

અમેરિકાએ એરસ્ટ્રાઇકમાં ઈરાનના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીને ઠાર કર્યા પછી પરિસ્થિતિઓ વધુ વિકટ બની રહી છે. ઇરાક-ઈરાન સરહદ નજીક બગદાદ આંતરરાષ્ટ્રીય હવાઇમથક નજીક યુએસએ આ હુમલો કર્યો હતો. હવે બગદાદમાં યુએસ દૂતાવાસે તેના તમામ નાગરિકોને તાત્કાલિક ઇરાક છોડવા કહ્યું છે. બીજી તરફ ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ ટવિટ કરીને અમેરિકાને ચેતવણી આપી છે.

બગદાદમાં અમેરિકન દૂતાવાસે કથળતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શુક્રવારે બપોરે એક અખબારી યાદી બહાર પાડી હતી. આમાં ઈરાકમાં રહેતા તમામ અમેરિકન નાગરિકોને અમેરિકા પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે. અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે બધા નાગરિકોએ તુરંત જ રવાના થવું જોઈએ, પછી ભલે તે અમેરિકા પરત ફરવું હોય અથવા બીજા દેશમાં જવું હોય.

ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ ટવિટ કરીને કહ્યું કે જેણે આ લોહીલૂહાણ સ્થિતિ સર્જી છે તેની પાસેથી ગંભીર પ્રકારનો બદલો લેવામાં આવશે. આયોતોલ્લાહ ખૌમેનીએ પણ કહ્યું કે તેમનો કાર્ય અને તેમણે નક્કી કરેલો માર્ગ કદી બંધ થશે નહીં.

અમેરિકાએ કરેલા હવાઈ હુમલો બગદાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથકની નજીકનો છે. જનરલ કાસિમ સુલેમાની અને તેના સાથી કારમાં જઇ રહ્યા હતા, ત્યારે વાહનોને ડ્રોનથી ઉડાવી દેવામાં આવ્યા હતા. જો કે, એરપોર્ટ પર હજી પણ ફ્લાઇટ સુવિધાઓ કાર્યરત છે.

અમેરિકન દૂતાવાસે તમામ નાગરિકોને ત્રણ બાબતોનું ધ્યાન રાખવા કહ્યું છે, જેમાં ઇરાકની યાત્રા ન કરવા, અમેરિકન એમ્બેસીમાં સુધી નહીં જવા અને દરેક નાના-મોટા સમાચાર પર ધ્યાન રાખવાનીતાકીદ કરવામાં આવી છે.