પાટીદાર ગ્લોબલ સમિટનો પ્રારંભ: સરદાર પટેલની 50 ફૂટ ઊંચી પ્રતિમાનું મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે અનાવરણ

આજથી ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2020નો આરંભ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરદાર વલ્લભભાઈ પટેલની 50 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરીને સમિટનો શુભારંભ કરાવ્યો હતો. આ સમિટ ત્રીજી જાન્યુઆરીથી પાંચ જાન્યુઆરી સુધી ચાલશે. પ્રતિમાનું અનાવરણ મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રતિમા માટે દાન આપનાર રણછોડભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

ત્રણ દિવસ ચાલનાર આ સમિટમાં 10 હજાર જેટલા ઉદ્યોગપતિ અને ઉદ્યોગ સાહસિક હાજર રહેવાના છે. તો બીજી બાજુ પ્રથમ સમિટ યોજાયું હતું તે ખૂબ નાના પાયે હતું, પણ આ વખતે આ આયોજન મોટાપાયે કરવામાં આવ્યું છે. આ સમિટમાં 750 જેટલા સ્ટોલ હશે. તો સમિટમાં તમામ સમાજને આમંત્રણ આપેલું છે જેમાં સ્પોન્સર અને સ્ટોલ ધારકોમાં અન્ય સમાજના 10 ટકા લોકોએ ભાગ લીધો છે.

આ વખતે ખેડૂતલક્ષી અને ડેરી ઉદ્યોગ અને મહિલાઓને 50 ટકા ડિસ્કાઉન્ટ સાથે આ સમિટમાં સ્ટોલ આપવામાં આવ્યા છે. સાથે જ ત્રણ દિવસ ચાલનારા આ સમિટમાં વિવિધ વક્તાઓ પણ ભાગ લેશે. સમિટમાં દેશ-વિદેશના પાટીદાર ઉદ્યોગપતિઓ જોડાશે. 32 કંપનીઓ 6 હજાર જોબ ઓફર કરશે અને ધો. 10-12 અને ગ્રેજ્યુએટ ઉમેદવારોને સાત લાખ સુધીનું પેકેજ મળશે.