ઈરાન-અમેરિકા તંગદીલી:  ક્રુડ ઓઈલના ભાવ ભડકે બળ્યા, દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઉછાળો, જાણો ક્યાં કેટલો થયો વધારો? 

આજે સવારે અમેરિકાએ ડ્રોન હુમલામાં ઈરાનના જનરલ કાસીમ સુલેમાનીને ઠાર મારતા બન્ને દેશો વચ્ચે ભાર તંગદિલીનું નિર્માણ થયું છે. અમેરિકાએ પોતાના નાગરિકોને ઈરાક છોડી દેવાનો આદેશ આપ્યો છે. યુદ્વ જેવી સ્થિતિના પરિણામે તેની સીધી અસર કાચા તેલ પર પડી છે. કાચા તેલ(ક્રુડ ઓઈલ)ના ભાવમાં આજે 4.4 ટકાનો જબરદસ્ત વધારો થયો હતો. રાતોરાત ક્રુડ ઓઈલની કિંમત વધતા તેની અસર હેઠળ ભારતની પેટ્રોલિયમ પેદાશો આવી ગઈ છે. આજે દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સરેરાશ વધારો જોવા મળ્યો છે.

ઓઈલ કંપનીઓએ આજે સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કર્યો છે. પહેલી જાન્યુઆરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર હતાં, પરંતુ તે પછી ગુરુવાર અને શુક્રવારે તેમાં વધારો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ બગદાદ એરપોર્ટ પર અમેરિકન સૈન્ય દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલામાં ઈરાનના ટોચના કમાન્ડર કાસિમ સુલેમાની શહીદ થયા હતાં. ત્યારપછી ક્રૂડ તેલની કિંમતમાં વધારો થયો છે.

ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ ચાર ટકા સુધી વધી ગયા જતાં ઓઈલ માર્કેટીંગ કંપનીઓ પર દબાણ આવ્યું છે. આજે બ્રેન્ટ ક્રૂડ તેલનો ભાવ 4.4 ટકા વધીને 69.16 ડોલર પર પહોંચી ગયો છે. ડબલ્યુટીઆઈ 4.3 ટકા વધીને 63.84 યુએસ ડોલર પર પહોંચી ગયું છે. આની અસર અન્ય દેશોની સાથે ભારત પર પણ થઈ શકે છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધુ વધારો થઈ શકે છે. આ કારણ છે કે ભારત અરબ દેશો તેમજ ઈરાન પાસેથી ક્રૂડ તેલની આયાત કરતું રહ્યું છે.

દિલ્હીમાં એક લીટર પેટ્રોલના ભાવમાં દસ પૈસા, કોલકાતા અને મુંબઈમાં સાત પૈસાનો વધારો થયો છે. તો ચેન્નાઈમાં પેટ્રોલના ભાવમાં આઠ પૈસાનો વધારો થયો છે. આ પછી આ રાજ્યોમાં પેટ્રોલની કિંમત આશિંક રીતે 75.35, 77.94, 90.94 અને 78.28 પ્રતિલીટર થઈ ગઈ છે.

ડીઝલની વાત કરીએ તો દિલ્હીમાં એક લિટર ડીઝલની કિંમત 14 પૈસા, કોલકાતામાં 12 પૈસા, મુંબઈમાં 13 પૈસા વધી છે. તો ચેન્નાઈમાં ડીઝલની કિંમતમાં 14 પૈસાનો વધારો થયો છે જે પછી તેની કિંમત અનુક્રમે 68.25, 70.61, 71.56 અને 72.12 પર પહોંચી છે.