મહારાષ્ટ્રમાં મંત્રાલયોની વહેંચણીમાં ખેંચતાણ યથાવત : કોંગ્રેસ-એનસીપી વચ્ચે ઉગ્ર ચર્ચા

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારમાં મંત્રાલયોની ફાળવણીમાં હજુ પણ ખેંચતાણ ચાલી રહી છે. મહારા।ષ્ટ્ર વિકાસ અઘાડીની પાંચ કલાક કરતાં પણ વધુ સમય સુધી ચાલેલી મેરેથોન બેઠક પછી પણ મંત્રાલયોની ફાળવણી પર સામાન્ય સમજૂતી સાધી શકાય નથી. ગઠબંધન સરકારમાં સહયોગી કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ વચ્ચે ગુરૂવારે રાત્રે આ મુદ્દે મળેલી બેઠકમાં ઉગ્ર ચર્ચા થઇ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પહેલા પણ બંને પક્ષો વચ્ચે આ જ વાતને લઇને વિવાદ થયો હતો. એવું કહેવાય રહ્યું છે કે મંત્રીમડળ વિસ્તરણમાં 12 બેઠકો મેળવનારી કોંગ્રેસ ગ્રામ્ય વિસ્તાર સંબંધિત બે વિભાગ ઇચ્છે છે અને પોતાની આ માગ પર તે જીદ પકડીને બેઠી છે.

સૂત્રોએ માહિતી આપી હતી કે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે માત્ર વિભાગોની ફાળવણી મુદ્દે જ ચર્ચા નથી થઇ પણ મંત્રીઓની નિમણુંક અગે પણ ચર્ચા થઇ હતી. બેઠક પછી પત્રકારો સાથે વાત કરતાં કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણે કહ્યું હતું કે તેમના પક્ષે વિભાગોની ફાળવણી મામલે પોતાનું સ્ટેન્ડ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને જણાવી દીધું છે. આ બેઠકમાં કોંગ્રેસના બાળા સાહેબ થોરાટ, એનસીપીના અજીત પવાર અને શિવસેનાના એકનાથ શિંદે સહિતના નેતાઓએ ભાગ લીધો હતો.

કોંગ્રેસ સાથે જોડાયેસા સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી મંત્રાલયોની ફાળવણીમાં ગ્રામ્ય વિસ્તાર સંબંધિત બે વિભાગ ઇચ્છે છે. ચવ્હાણે કહ્યું હતું કે અમે અમારો પ્રસ્તાવ આપી દીધો છે હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેના પર વિચાર કરશે. ગુરૂવારે એનસીપીના અધ્યક્ષ શરજ પવારે સત્તારૂઢ ગઠબંધનમાં ઉભરેલા અસંતોષ બાબતે કહ્યું હતું કે કોઇપણ પોર્ટફોલિયો ફાળવણીથી નારાજ નથી. પોર્ટફોલિયો ફાળવણી અંગે નિર્ણય કરી લેવાયો છે. કોને શું મળશે એ નક્કી થઇ ગયું છે. મને લાગે છે કે મુખ્યમંત્રી તેની જાહેરાત ગુરૂવારે સાંજે અથવા શુક્રવારે કરશે. જો કે શુક્રવારે પણ હજુ આ મામલે ખેંચતાણ યથાવત રહી છે.