દાવાનળને કારણે ઓસ્ટ્રેલિયાના બે રાજ્યોમાં કટોકટી : ફરજિયાત સ્થળાંતરનો આદેશ

ઓસ્ટ્રેલિયાના દક્ષિણ-પૂર્વ ભાગમાં દિવસોથી જંગલોમાં ભારે આગ સળગી રહી છે અને નવા વર્ષના ટાણે પણ આ આગ લપકારા મારી રહી હતી ત્યારે સ્થિતિ વધુ વણસવાના ભણકારા વચ્ચે સત્તાવાળાઓએ ન્યુ સાઉથવેલ્સ અને વિકટોરિયા રાજ્યોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. આ આગમાં અત્યાર સુધીમાં અઢાર જણા માર્યા ગયા હોવાનું જાણવા મળે છે તથા અનેક ટુરિસ્ટો ફસાઇ ગયા છે.

સ્થિતિ વધુ વકરવાની આગાહી વચ્ચે સત્તાવાળાઓએ આ બે રાજ્યોના દાવાનળગ્રસ્ત વિસ્તારોમાંથી રહેવાસીઓ અને પર્યટકોનુ ફરજિયાત સ્થળાંતર કરાવવાના અને રસ્તાઓ બંધ કરવાના આદેશ જારી કર્યા છે. ન્યુ સાઉથ વેલ્સ રાજ્યની સરકારે રાજ્યમાં આજથી શરૂ થાય તે રીતે એક સપ્તાહ માટે કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી અને શનિવારે હાલત વધુ ભયંકર બનવાની આગાહી વચ્ચે લોકોનું બળપૂર્વક સ્થળાંતર કરાવવા અને દાવાનળ ઝોન તરફ જતાં રસ્તાઓ બંધ કરવા આદેશ જારી કર્યા હતા. લોકોને જેમ બને તેમ અસરગ્રસ્ત વિસ્તારો જલદી ખાલી કરી જવા જણાવાયું છે. આ રાજ્યમાં ૧૧૩ સ્થળોએ આગ ભડકી રહી છે અને ચાલીસ લાખ હેકટર કરતા વધુ વિસ્તારમાં ઝાડીઓ બળી ગઇ છે. વિકટોરિયા રાજ્યના પણ મોટા વિસ્તારમાં કટોકટી જાહેર કરવામાં આવી છે.