પહેલી માર્ચથી કેબલ ટીવી યુઝર્સ 130ના ભાડામાં 200 ચેનલો જોઇ શક્શે

ટ્રાઇએ ગ્રાહકોના હિતોની સુરક્ષા કરવાનો પ્રયાસ કરીને કેબલ અને બ્રોડકાસ્ટિંગ સર્વિસ માટેના નવા નિયામક માળખામાં ફેરફાર કર્યા હતા જે હેઠળ કેબલ ટીવી યુઝર્સ ઓછા ભાડામાં વધુ ચેનલો જોઇ શક્શે. ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (ટ્રાઇ)એ તમામ ફ્રી ટુ એર ચેનલ્સ જોવા માટે ગ્રાહકોએ જે માસિક રકમ ચૂકવવી પડે છે એ મહત્તમ ૧૬૦ રૂપિયા રાખી છે. ટ્રાઇએ એક નિવેદનમાં કહ્યું કે મલ્ટી ટીવી હોમ હોય એટલે કે જ્યાં એક વ્યક્તિના નામે એકથી વધુ ટીવી કનેક્શન હોય ત્યાં તે જાહેર નેટવર્ક કેપેસિટી ફી (એનસીએફ)ના મહત્તમ ૪૦ ટકા જ બીજા કે વધારાના ટીવી કનેક્શન માટે લેવાનું નક્કી કર્યું છે. એટલે બીજા ટીવી માટે 52 રૂપિયા ફી રહેશે.

દરેક પે ચેનલની એમઆરપી બુકેની એક પે ચેનલના સરેરાશ દર કરતા ત્રણ ગણાથી વધવો ન જોઇએ. ટ્રાઇએ એવું પણ નક્કી કર્યું કે જેમની એમઆરપી ૧૨ રૂપિયા કે ઓછી હોય એવી જ ચેનલોને બ્રોડકાસ્ટર્સ દ્વારા ઑફર કરાતા બુકેનો ભાગ બનવા દેવાશે. ટ્રાઇએ કહ્યું કે ડીપીઓ દ્વારા લેવાતી જંગી કેરેજ ફી અંગેની બ્રોડકાસ્ટર્સની ચિંતાઓ પણ ધ્યાને લીધી છે. દેશમાં ચેનલ બતાવવા માટે ડીપીઓ એક મહિનામાં મહત્તમ ૪ લાખ રૂપિયા કેરેજ ફી લઈ શક્શે. નવા નિયમો પહેલી માર્ચથી અમલી બનશે. અત્યાર સુધી કેબલ ટીવી ગ્રાહકોને 130 રૂપિયામાં માત્ર ૧૦૦ ફ્રી ટુ એર ચેનલ્સ મળતી હતી. ટેક્સ સાથે આ રકમ ૧૫૪ રૂપિયા થતી હતી. એમાંથી ૨૬ ચેનલ્સ તો પ્રસાર ભારતીની ફરજિયાત ચેનલ્સ હતી. બ્રોડકાસ્ટર્સ 15 જાન્યુઆરી સુધીમાં પોતાની ચેનલ્સના દરોમાં ફેરફર કરશે.

વિવિધ જોગવાઇઓની ચકાસણી કર્યા બાદ ટ્રાઇએ ૨૦૦ ચેનલો માટે મહત્તમ એનસીએફ ચાર્જ ઘટાડીને ૧૩૦ (ટેક્સ સિવાય) કર્યો છે. આ ઉપરાંત એવું નક્કી થયું કે માહિતી અને પ્રસારણ મંત્રાલયે જે ચેનલો ફરજિયાત ગણાવી છે એને એનસીએફમાં ચેનલોની સંખ્યામાં ગણતરીમાં લેવાશે નહીં. ટ્રાઇએ છ મહિના કે વધુના લાંબા ગાળાના સબ્સ્કિપ્શન પર ડિસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ ઓપરેટર્સને(ડીપીઓએસ)ને ડિસ્કાઉન્ટ ઓફર કરવાની છૂટ આપી છે. ટ્રાઇએ કહ્યું કે બુકેનો ભાગ હોય એવી પે ચેનલના આલાકાર્ટ રેટનો સરવાળો કોઇ પણ રીતે એવી જે ચેનલ ભાગ હોય એ બુકેના દર કરતા દોઢાથી વધવો ન જોઇએ.