દિલ્હીના કેટલાક ભાગોમાં નવા વર્ષના પ્રારંભે પણ સીએએ વિરૂદ્ધ પ્રદર્શન

નવા વર્ષની ઉજવણીની સાથે દિલ્હીના શાહીન બાગ, જામિયા મિલિયા ઈસ્લામિયા અને ઈન્ડિયા ગેટ સહિતના કેટલાક વિસ્તારોમાં સુધારેલા નાગરિક કાયદા વિરૂદ્ધ પ્રદર્શન ચાલુ રહ્યા હતા. જામિયા મિલિયા ઈસ્લામિયામાં કેટલાક વિદ્યાર્થીઓ અને અન્ય લોકોએ હાથમાં ત્રિરંગો અને બેનર લઈ યુનિવર્સિટીની બહાર માર્ગ પર પ્રદર્શન કર્યા હતા. બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર અને તેના સાથી કલાકાર મહંમદ ઝીશાન અય્યુબે રેલીમાં ભાગ લઇને આંદોલન ચાલુ રાખવા બદલ પ્રદર્શનકારીઓની પ્રશંસા કરી હતી.

બીજી બાજુ શાહીન બાગ વિસ્તારમાં મહિલાઓ દ્વારા ધરણા પ્રદર્શન ચાલુ રહ્યા હતા, તેમણે રાષ્ટ્ર ગીત ગાઈને ‘આઝાદી’નો સૂત્રોચ્ચાર કરીને નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. ઈન્ડિયા ગેટ પર પણ કેટલાક પ્રદર્શનકારીઓ ભેગા થયા હતા તેઓ ‘હમ કાગઝ નહીં દિખાયેંગે’ અને ‘તાનાશાહી નહીં ચલેગી’ જેવા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આમ નવા વર્ષના પહેલા દિવસે પણ દિલ્હીમાં પ્રદર્શનો ચાલુ રહેવા પામ્યા હતા.