મહિલાએ હાથ ખેંચતા ગુસ્સે ભરાયેલા પોપે મહિલાના હાથમાં ઝાપટ મારી

સેન્ટ પીટર્સ સ્કવેર પર એક મહિલાએ પોપ ફ્રાન્સીસનો હાથ પકડી લીધો હતો ત્યારે પોપ રોષે ભરાયા હતા અને પોતાને તેનાથી છોડાવવાં જતાં તેને ઝાપટ મારી હતી, આ ઘટનાનો વીડિયો વાયરલ થયો અને તેના પર કેટલીક ટીપ્પણીઓ કરવામાં આવ્યા પછી બુધવારે 83 વર્ષીય પોપે આ બનાવ પર માફી માગી હતી.

મંગળવારે રાતે સેન્ટ પીટર્સ સ્કવેર પર લોકોની ભારે ભીડ ભેગી થઈ હતી મોટેથી લોકો ‘પોપ, પોપ’ અને ‘હેપ્પી ન્યૂ યર’ ની બૂમો પાડી રહ્યા હતા, લોકો તેમના દર્શન માટે અને પોતાના નવજાત બાળકોને પોપના આશીર્વાદ અપાવવા પડાપડી કરી રહ્યા હતા. પોપ ફ્રાન્સીસે ત્યાં ભેગા થયેલા લોકોને આશીર્વાદ આપ્યા હતા, તેમણે એક બાળકને આશીર્વાદ આપ્યા બાદ આગળ વધ્યા તે સમયે એક મહિલાએ પોપને હાથ પકડીને ખેંચ્યા હતા અને તેથી પોપે મહિલાના હાથ પર બે વખત ઝાપટ મારી હતી. પોપ તે મહિલાની પાસે આવ્યા ત્યારે તેણે ક્રોસનું ચિન્હ બનાવ્યું હતું, જો કે તે સ્પષ્ટ નથી થયું કે મહિલા શું કહેવા માગતી હતી.

પોપ ફ્રાન્સીસે વેટીકનમાં સામૂહિક સભાની ઉજવણી પહેલા માફી માગતા કહ્યું હતું કે કેટલીક વખત આપણે ધેર્ય ગુમાવી બેસીએ છીએ. આવું મારી સાથે પણ થયું હતું. ગઈકાલે ખોટો દાખલો બેસાડવા બદલ હું માફી માગું છું. નવા વર્ષની પ્રથમ સામૂહિક પ્રાર્થના (માસ)માં પોપે મહિલાઓ વિરૂદ્ધ થતી દરેક પ્રકારની હિંસાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે આમ કરવુ તે ભગવાનને અપવિત્ર કરવા સમાન છે.