સંજય રાઉત-ઉદ્વવ ઠાકરે વચ્ચે પડી તિરાડ? ફેસબૂક પોસ્ટે સર્જી દીધું સસ્પેન્સ, જાણો વધુ

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે કેબિનેટ વિસ્તરણમાં ભાઈ સુનિલ રાઉતને સ્થાન ન મળતાં નારાજગીના અહેવાલો વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતના નવા વર્ષ પરની ફેસબુક પોસ્ટ્સ પર સસ્પેન્સ વધી ગયું છે. રાઉતે તેમની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે ‘ હંમેશા એવી વ્યક્તિને સાચવીને રાખો જેણે તમને ત્રણ ગિફટ આપી હોય. સાથ, સમય અને સમર્પણ…’ રાઉતની આ પોસ્ટે શિવસેના પ્રમુખ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને રાજકીય સંકેત આપ્યા હોવાનું માનવામાં આવે છે. જો કે, આ પોસ્ટ હવે સંજય રાઉતની એફબી વોલ પર જોવા મળી રહી નથી.

આવી સ્થિતિમાં માનવામાં આવે છે કે પોસ્ટને લઈ રાજકીય અટકળોએ જોર પકડતાં સંજય રાઉતે પોસ્ટને ડિલીટ કરી હતી. ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાન બનાવવામાં એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારની ભૂમિકા મહત્વપૂર્ણ હોવા છતાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી ઉદ્ધવ મુખ્ય પ્રધાન બને ત્યાં સુધી સંજય રાઉતે લોકોની સામે પોતાનો શિવસેનાનો સ્ટેન્ડ રજૂ કર્યો હતો.

ભાજપ સાથે અઢી વર્ષ માટે શિવસેનાનો મુખ્યમંત્રી બનાવવાની માંગ કરવામાં રાઉતને પ્રમુખ ભૂમિકા રહી હતી. ઉદ્ધવ ઠાકરે સાથે તેમની નિકટતા અને સરકારની રચનામાં મહત્વની ભૂમિકાને ધ્યાનમાં લેતા માનવામાં આવી રહ્યું હતું કે સંજય રાઉતના નાના ભાઈ સુનિલ રાઉતને નિશ્ચિતરૂપે મંત્રીમંડળમાં સ્થાન મળશે, પરંતુ એવું બન્યું નહીં.

શિવસેનાએ ત્રણ અપક્ષોને તક આપી છે, ત્યારબાદ સંજય રાઉતની નારાજગીના સમાચાર આવ્યા હતા. સુનિલ રાઉતે ધારાસભ્યમાંથી રાજીનામું આપવાના સમાચાર પણ ચર્ચામાં આવ્યા હતા, પરંતુ સંજય રાઉતે આગળ આવીને કહ્યું કે, ‘અમે આપનાર છીએ, માગનાર નથી. પાર્ટી માટે કામ કરીએ છીએ, પદ માટે નહીં. સુનીલ રાઉત એક પાક્કા શિવ સૈનિક છે. મહારાષ્ટ્રમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળ બનાવવામાં આવેલી સરકાર પર અમને ગર્વ છે.

એવું માનવામાં આવ્યું હતું કે રાઉતની નારાજગી દૂર થઈ ગઈ છે, પરંતુ તેમની નવી ફેસબુક પોસ્ટથી સસ્પેન્સ વધી ગયું છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે શું સંજય રાઉત હજી પણ ભાઈને પ્રધાન નહીં બનાવવામાં આવ્યાને લઈ નારાજ છે. જોકે, આ પોસ્ટ હવે સંજય રાઉતની એફબી વોલ પર દેખાશે નહીં. સંજય રાઉતની પોસ્ટ ડિલીટ કરવા અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.