2020ના બીજા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો : સુરતમાં થયો આટલો ભાવ

ઓઇલ કંપનીઓએ 2020 વર્ષના બીજા દિવસે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કર્યો છે, જે અલગઅલગ રાજ્યો કે શહેર પ્રમાણે 11 પૈસાથી લઇને 14 પૈસા સુધીનો છે. સુરતમાં આજે પેટ્રોલના ભાવમાં 13 પૈસાનો વધારો થયો છે અને તેના કારણે સુરતમાં લિટરે પેટ્રોલના ભાવ રૂ. 72.53 થયો છે. એ ઉલ્લેખનીય છે કે વર્ષના પહેલા દિવસે ઓઇલ કંપનીઓ દ્વારા ભાવ યથાવત રાખવામાં આવ્યા હતા. જ્યારે ડિઝલના ભાવમાં 16 પૈસાનો વઘારો થતાં આજે સુરત શહેરમાં ડિઝલનો ભાવ લિટરે 72.14 રૂ. થયો છે.

દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં લિટરે 11 પૈસાનો વધારો થયો છે. જ્યારે કોલકાતા અને મુંબઇમાં તે વધારો 8 પૈસા રહ્યો છે. ડિઝલની વાત કરીએ તો દિલ્હીમાં ડિઝલના ભાવમાં લિટરે 14 પૈસાનો વધારો થયો છે, જ્યારે કોલકાતામાં 11 પૈસા અને મુંબઇમાં 12 પૈસાનો વધારો થયો છે. ચેન્નઇમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી.

ગુરૂવારે થયેલા આ વધારા પછી દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડિઝલના ભાવ પર નજર નાંખવામાં આવે તો દિલ્હીમાં પેટ્રોલ રૂ.75.25, કોલકાતામાં રૂ. 77.87, મુંબઇમાં રૂ. 80.87 અને ચેન્નઇમાં રૂ. 78.12 થયો છે. જ્યારે આ પ્રમાણે જ ડિઝલના ભાવ જોઇએ તો અનુક્રમે 68.10, 70,49, 71.43 અને 71.86 છે.