26મી જાન્યુઆરીએ ઝાંખીને લઈ રાજકીય ઝઘડો: પ.બંગાળ બાદ મહારાષ્ટ્રની અરજી ફગાવાઈ

પશ્ચિમ બંગાળ પછી 2020ના 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની પરેડમાં મહારાષ્ટ્રની ટેબ્લો(ઝાંખી) જોવા મળશે નહીં. મહારાષ્ટ્ર સરકારના મંત્રી જિતેન્દ્ર અવધે દાવો કર્યો છે કે ગૃહ મંત્રાલયે આ વખતે પ્રજાસત્તાક દિનની પરેડમાં મહારાષ્ટ્રના ટેબ્લો સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.

આ બાબતે શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે મહારાષ્ટ્રની ઝાંખી હંમેશા દેશનું આકર્ષણ રહી છે. જો કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન આવું બન્યું હોત તો મહારાષ્ટ્ર ભાજપે રાજકીય હુમલો કર્યો હોત.તમને જણાવી દઈએ કે પ્રજાસત્તાક દિન નિમિત્તે રાજપથ પર ઘણા બધા ટેબ્લો હોય છે, જેમાં રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય મંત્રાલયોનો સમાવેશ થાય છે.

આ વર્ષની પરેડમાં કુલ 22 ટેબ્લો બતાવવામાં આવશે. તેમાં 16 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશો અને 6 કેન્દ્રીય મંત્રાલયો હશે. પરેડ માટે સંરક્ષણ મંત્રાલયને કુલ 56 ટેબ્લોની દરખાસ્ત કરવામાં આવી હતી.

આ વખતે કેન્દ્ર સરકારને કુલ 56 દરખાસ્તો મોકલવામાં આવી હતી. આમાં પશ્ચિમ બંગાળ સરકારના પ્રસ્તાવનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારે બંગાળના ટેબ્લોના પ્રસ્તાવને ફગાવી દીધો છે.

શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે આ વખતે પરેડમાં મહારાષ્ટ્રની ઝાંખીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જેજે સ્કૂલ ઓફ આર્ટ્સ દ્વારા તેની તૈયારી કરવામાં આવી છે. અમને આ માટે મોટાભાગે એવોર્ડ મળ્યા છે. આ વખતે મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના ટેબ્લોને સ્થાન મળ્યું નથી. આ જ કારણ છે કે બંને રાજ્યોમાં ભાજપ સરકાર નથી. મહારાષ્ટ્રનું આ એક મોટું અપમાન છે. તેમણે કહ્યું કે, સમગ્ર મહારાષ્ટ્ર પ્રજાસત્તાક દિનની પરેડની રાહ જુએ છે. હું મહારાષ્ટ્રના સીએમને આ મામલે તપાસ કરવા અપીલ કરું છું.

પશ્ચિમ બંગાળના સંસદીય બાબતોના રાજ્ય પ્રધાન તાપસ રાયે ‘રાજ્ય સામે બદલો લેવા’ કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે બંગાળની સાથે સાવકું વલણ અપનાવવામાં આવી રહ્યું છે, કારણ કે પશ્ચિમ બંગાળ ભાજપ સરકારની લોકવિરોધી નીતિઓનો વિરોધ કરી રહ્યું છે. અમે સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ જેવા લોક વિરોધી કાયદાઓનો વિરોધ કર્યો છે, તેથી કેન્દ્રએ અમારા ટેબ્લોના પ્રસ્તાવને ફગાવી દીધો છે.

ટીએમસીના આક્ષેપોના જવાબમાં પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું હતું કે રાજ્ય સરકાર દરખાસ્ત રજૂ કરવામાં નિયમો અને કાર્યવાહીનું યોગ્ય રીતે પાલન ન કરતું હોવાથી ઝાંખીના પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે. અન્ય રાજ્યોએ તેનું પાલન કર્યું, તેથી તેમના ટેબ્લોની દરખાસ્તો સ્વીકારવામાં આવી. તેમણે વધુમાં કહ્યું કે ટીએમસીએ દરેક મુદ્દે રાજકારણ કરવાનું બંધ કરવું જોઈએ.