ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2020: ત્રીજીએ એક હજાર પ્રદર્શકો એક હજાર ફુટ રિબન કાપશે

સરદારધામ વિશ્વ પાટીદાર સમાજ દ્વારા આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2020નું ત્રીજી જાન્યુઆરીએ 1000 પ્રદર્શકો દ્વારા 1000-ફુટ લાંબી રિબન કાપી સમીટનું ઉદ્દઘાટન હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે કરવામાં આવશે, જેને લઇ એક વિશેષ રિબન-કટીંગ સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સરદારધામ વિશ્વ પાટીદાર સમાજ દ્વારા આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2020 એક દિવસમાં સૌથી વધુ સંખ્યામાં પ્રિ-રજિસ્ટર્ડ બી ટુ બી મીટિંગ્સના આયોજનથી એક નવો વિક્રમી રેકોર્ડ સર્જવા જઈ રહ્યું છે.

આગામી તા.3થી 5 જાન્યુઆરી દરમ્યાન ગાંધીનગરમાં હેલપીડે ગ્રાઉન્ડ ખાતે યોજાઇ રહેલા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટમાં અનેક વિક્રમો સર્જાશે. તા.5 જાન્યુઆરી-2020ના રોજ 60,000 જેટલી પ્રિ-રજિસ્ટર્ડ બી ટુ બી મીટીંગ્સ યોજવા માટે ખુબ જ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટમાં 7,00,૦00થી વધુ મુલાકાતીઓ આવવાની શકયતા છે., જે પણ એક વિક્રમ હશે. આ સમારોહ ઇવેન્ટના ઉદ્દેશ્ય એકતાથી સમૃધ્ધી તરફના અનુસંધાનમાં રહેશે, જેમાં 1000 પ્રદર્શકો એક સાથે 1000 ફુટ લાંબી રિબન કાપીને સમિટની ભવ્ય શરૂઆત કરશે.

નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોના આંતરિક અને વૈશ્વિક જોડાણોની સુવિધા માટે સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ઇવેન્ટનું બીજું રસપ્રદ વિશેષતા સ્ટાર્ટ-અપ પેવેલિયન હશે, જે યુવા ઉદ્યોગસાહસિકોને રોકાણકારો સાથે જોડાવા માટે એક અદ્વિતીય તક પુરી પાડશે. સ્ટાર્ટ-અપ પેવેલિયન દ્વારા પસંદ પામેલા 50 બિઝનેસ મોડેલ્સનું 400 કરોડ જેટલું ફંડ એકઠું કરવાના ધ્યેય સાથે પ્રદર્શન કરવામાં આવશે. સરદારધામ વિશ્વ પાટીદાર સમાજ દ્વારા તા.3,4 અને 5 જાન્યુઆરી-2020 દરમિયાન ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ભારત અને દુનિયાભરના આશરે 7,00,000 મુલાકાતીઓ ભાગ લેશે.